મોગાઃ 36 દિવસથી પંજાબ રાજ્યની પોલીસને હાથતાળી આપતા રહ્યા બાદ કટ્ટરવાદી, ખાલિસ્તાની અલગતાવાદી સમર્થક અને સ્વયંઘોષિત શીખ પ્રચારક અમ્રિતપાલસિંહ સંધુ આખરે પોલીસને શરણે આવી ગયો છે. આજે વહેલી સવારે મોગા પોલીસે એને કસ્ટડીમાં લીધો હતો. પંજાબ પોલીસે ટ્વિટરના માધ્યમથી જાણકારી આપી છે કે અમ્રિતપાલ સિંહની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અમુક અખબારી અહેવાલોનો દાવો છે કે આ કટ્ટરવાદી શરણે આવી ગયો હતો. પંજાબ પોલીસે અમ્રિતપાલસિંહ સામે રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (એનએસએ) લાગુ કર્યો છે. અમૃતસર ગ્રામિણ અને જલંધર ગ્રામિણ પોલીસ જિલ્લાઓમાં એની સામે તેમજ એના સાગરિતો સામે હત્યાનો પ્રયાસ કરવા, પોલીસ જવાનો પર હુમલો કરવા, સરકારી કર્મચારીઓને કાયદેસરની ફરજ બજાવતા રોકવા જેવા અનેક ક્રિમિનલ કેસ નોંધવામાં આવ્યા છે.
અમ્રિતપાલને મોગા જિલ્લાના રોડે ગામમાં એક ગુરુદ્વારામાંથી પકડી લેવામાં આવ્યો હતો. આ ગામ વર્ષો પહેલાં ઠાર કરાયેલા શીખ કટ્ટરવાદી જર્નેલસિંહ ભિંદરાણવાલેનું વતન ગામ છે. હવે અમ્રિતપાલસિંહને કડક સુરક્ષા વચ્ચે આસામના દિબ્રુગઢ શહેરની જેલમાં શિફ્ટ કરવામાં આવશે. અમ્રિતપાલસિંહ ‘વારિસ પંજાબ દે’ નામના એક કટ્ટરવાદી સંગઠનનો વડો છે. એની પત્ની અને બ્રિટિશ નાગરિક કિરણદીપ કૌરની ગઈ 21 એપ્રિલે અમૃતસર એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી. એ લંડન જતી હતી, પણ એ ફ્લાઈટમાં બેસે એ પહેલાં એરપોર્ટ પર જ એને પકડી લેવામાં આવી હતી.