મોદી, કેજરીવાલ વચ્ચે ‘રેવડી કલ્ચર’ વિશે (ચૂંટણી) જંગ

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મફતમાં સુવિધાઓ આપતા રાજકારણની તીખી આલોચના કરતાં કહ્યું હતું ‘રેવડી કલ્ચર’ દેશના વિકાસ માટે બહુ ઘાતક છે. મોદીએ રૂ. 14,850 કરોડના ખર્ચે બનેલા બુંદેલખંડ એક્સપ્રેસવેનું ઉદઘાટન કર્યા પછી જનસભાને સંબોધિત કરી હતી. આ ‘રેવડી કલ્ચર’વાળા ક્યારેય તમારે માટે નવો એક્સપ્રેસવે નહીં બનાવે, નવું એરપોર્ટ કે ડિફેન્સ કોરિડોર નહીં બનાવે. ‘રેવડી કલ્ચર’વાળાઓને લાગે છે કે જનતાને મફતની રેવડી વહેંચીની તેમને ખરીદી લેશે. આપણે મળીને તેમના વિચારને હરાવવાનો છે. ‘રેવડી કલ્ચર’ને દેશના રાજકારણમાંથી દૂર કરવાનું છે, એમ તેમણે કહ્યું હતું. વડા પ્રધાને ‘રેવડી સંસ્કૃતિ’ એટલે કે સરકારો દ્વારા મફત સુવિધાઓ આપતી સરકારોને લઈને નિશાન સાધ્યું હતું.

વડા પ્રધાન મોદીના નિવેદન પર પલટવાર કરતાં દિલ્હીના મુખ્ય પ્રધાને કહ્યું હતું કે રેવડીઓ તો એ લોકો વહેંચે છે, જેઓ કરોડો રૂપિયાના વિમાન ખરીદે છે, જો મંત્રીઓના ઘરે ત્રણ-ચાર યુનિટ મફત વીજ આપે છે અને કેજરીવાલ આ સુવિધા આમ જનતાને સુવિધા આપે છે તો એમાં ખોટું શું છે. કેજરીવાલ મફત રેવડી વહેંચી રહ્યા છે કે દેશનું ભવિષ્ય બનાવી રહ્યા છે. આજે દિલ્હી એકમાત્ર શહેર એવું છે, જ્યાં બે કરોડ લોકોને સારવાર સંપૂર્ણ રીતે મફત છે. રૂ. 50 લાખનો ખર્ચ આવશે તો એ પણ સારવાર, દવા, ટેસ્ટનો ખર્ચ મફત છે. શું આ મફતની રેવડી વહેંચી રહ્યો છું? એમ તેમણે કહ્યું હતું.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે જ્યારે ઢૂંકડી છે, ત્યારે આ વખતે ભાજપ અને કોંગ્રેસ કરતાં ભાજપ અને આપ વચ્ચે ચૂંટણીજંગ જામે એવી વધુ શક્યતા છે, જેનો પ્રારંભ વડા પ્રધાન મોદી અને કેજરીવાલ વચ્ચે સામસામાં નિવેદનો થઈ ગયાનું પ્રતીત થાય છે.