ACના પાણીને ચરણામૃત માનીને પીતા અંધભક્તો, વિડિયો વાઇરલ

મથુરાઃ દેશમાં AI ટેક્નોલોજીની વાત વચ્ચે હજી પણ અંધશ્રદ્ધા પ્રવર્તી રહી છે.  આવું માત્ર ભારતમાં જ થઈ શકે છે. આંધળો સસરોને શણગટ વહુ, કથા સાંભળવા ચાલ્યા સૌ, કહ્યું કશુંને સમજ્યા કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું, એમ બાંકે બિહારી મંદિરમાં હાથીના આકારવાળા માળખાની નીચે ભક્તોનો જમાવડો છે અને બધા લોકો ACમાંથી ટપકતા પાણીને ચરણામૃતનું પવિત્ર જળનું આચમન કરી રહ્યા છે.

ઉત્તર પ્રદેશના વૃંદાવનનો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકો એસીમાંથી નીકળતા પાણીને ચરણામૃત સમજીને પી રહ્યા છે. વિડિયો બનાવીને સોશિયલ પર વાઇરલ થઈ રહ્યો છે. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું છે- આને કહેવાય આંધળી ભક્તિ.

કેટલીક વાર લોકો ભક્તિમાં એટલા મગ્ન થઈ જાય છે કે તેઓ અજાણતાં જ અંધ ભક્ત બની જાય છે. મથુરાના બાંકે બિહારી મંદિરમાં આવી જ એક ઘટનાનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક ભક્તો મંદિરના પાછળના ભાગમાંથી ટપકતા પાણીને ઠાકુરજીનું ચરણામૃત માનીને પીતા જોવા મળ્યા છે. વાસ્તવમાં મંદિરમાં લગાવેલા એસીમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હતું. એક યુટ્યુબરે આનો વિડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો.

આ વાયરલ વિડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક મહિલા એસીનું પાણી ચરણામૃત સમજીને પી રહી છે, જ્યારે એક યુવક મહિલા ભક્તને કહે છે – ‘દીદી, આ એસી પાણી છે, ચરણામૃત નથી.’ આના પર મહિલા હસી પડી અને ત્યાંથી જતી રહી. બાંકે બિહારી મંદિરના પહેલા માળે વરસાદી પાણીના નિકાલ માટેનો માર્ગ છે. તેમનો આકાર હાથીના મોં જેવો છે. મંદિરમાં લગાવેલા એસીમાંથી વિસર્જનનું પાણી પણ આ માર્ગ પરથી ટપકતું રહે છે અને અંધ ભક્તો ચરણામૃત સમજીને પીતા રહે છે.