મણિપુરમાં ફરી હિંસા, ઇમ્ફાલમાં કરફ્યુ, સેના બોલાવવામાં આવી

 ઇમ્ફાલઃ પૂર્વોત્તર રાજ્ય મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં ફરી હિંસા ભડકી ઊઠી છે. રાજ્યની રાજધાની ઇમ્ફાલના ન્યુ ચેકોન વિસ્તારમાં મૈતેઈ અને કુકી સમાજોનો એક વર્ગ આપસમાં લડી રહ્યા હતા, ત્યારે ફરી એક વાર ફરીથી ટેન્શન વધી ગયું છે. સ્થાનિક બજારમાં ઠેકઠેકાણે અથડામણ થઈ હતી, જે વધીને હિંસામાં ફેરવાઈ ગઈ હતી. આગ ચાંપવાના બનાવો પછી ઇમ્ફાલમાં કરફ્યુ જાહેર કરવામાં આવ્યો હતો.

ઇમ્ફાલમાં પહેલાં સાંજે ચાર કલાક સુધી કર્ફ્યુમાં ઢીલ મૂકવામાં આવી હતી, પણ તાજી હિંસા પછી બપોરે એક કલાક પછી ફરીથી કરફ્યુ લગાવવામાં આવ્યો હતો. ભારેલા અગ્નિને જોતાં સેનાને બોલાવવામાં આવી હતી. મણિપુર આશરે એક મહિનાથી કેટલાય મુદ્દાને લઈને જાતીય સંઘર્ષોનું સાક્ષી રહ્યું છે. આ મહિને પ્રારંભમાં રાજ્યમાં બે જૂથો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી.
કુકી આદિવાસીઓએ ત્રીજી મેએ મૈતેઈ સમુદાયની અનુસૂચિત જનજાતિના દરજ્જાની માગના વિરોધમાં એકજૂટતા માર્ચ કાઢી હતી. એ પછી ભડકેલી હિંસામાં 70થી વધુ લોકોનાં મોત થયાં છે. કરોડો રૂપિયાની સંપત્તિને આગ લગાડવામાં આવી હતી અને હજારો લોકોએ ઘર છોડવા મજબૂર થવું પડ્યું હતું. લોકોને સરકાર દ્વારા આયોજિત શિબિરોમાં રહેવું પડ્યું હતું.

મણિપુરમાં 16 જિલ્લા છે અને અહીં 53 ટકા મૈતેઇ સમુદાયના લોકો રહે છે. મણિપુરમાં 42 ટકા કુકી, નાગા સિવાય અન્ય જનજાતિ રહે છે. મૈતેઈ સમુદાયના લોકોનું કહેવું છે કે 1970 પછી અહીં કેટલા રેફ્યુજી આવ્યા છે. એની ગણતરી કરવામાં આવે અને અહીં NRC લાગુ કરવામાં આવે. મૈતેઈ સમુદાયના લોકો પહાડી વિસ્તારમાં જમીન નથી ખરીદી શકતા, પણ કુકી સમુદાયના લોકો ખીણ વિસ્તારમાં જ્યાં મૈતેઈ રહે છે, ત્યાં જમીન ખરીદી શકે છે. અથડામણનું આ એક મોટું કારણ છે.