નવી દિલ્હી: કેન્દ્ર સરકાર ગાંધીનોમિક્સ, એટલે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ અર્થવ્યવસ્થાને લગતા અપનાવેલા નિયમોના આધાર પર ગામડાંઓને આત્મનિર્ભર બનાવવાની દિશામાં કામ કરી રહી છે. આ કામ માટે MSME (માઈક્રો, સ્મોલ અને મિડિયમ ઉદ્યોગો)ના મંત્રાલય હેઠળ કાર્યરત ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કેવીઆઈસી)એ યોજના બનાવી છે. યોજના હેઠળ હાલમાં પાયલટ પ્રોજેક્ટમાં 100 ગામડાંઓને 200 ચરખા અને 50 લૂમ આપવામાં આવશે. જેમાં ઓછામાં ઓછા 350 જણ માટે રોજગારી મળશે.
ખાદી ગ્રામોદ્યોગે મોટા પ્રમાણમાં રંગીન ફેશનેબલ માસ્ક બનાવવાના શરુ પણ કરી દીધા છે. આ માસ્ક બનાવવાનું કામ ગ્રામીણ મહિલાઓને આપવામાં આવી રહ્યું છે. મહાત્મા ગાંધી પ્રેરિત અર્થવ્યવસ્થામાં ગામડાંઓને આત્મનિર્ભર બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. કોરોના મહામારીને કારણે લાગુ કરાયેલું દેશવ્યાપી લોકડાઉન હટાવી લેવાય તે પછીના માહોલમાં દરેક ગામ, દરેક જિલ્લાને આત્મનિર્ભર બનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
કેવીઆઈસીના ચેરમેન વી.કે. સક્સેનાના જણાવ્યા અનુસાર ગામડાંઓમાં ચરખા અને લૂમ લેનારા ગ્રામીણ વિસ્તારોને તાત્કાલિક ધોરણે તેની કિંમત નહીં ચૂકવવી પડે. એક ચરખો 16,000 રૂપિયાનો અને લૂમ 35,000 રૂપિયાની છે. ચરખા અને લૂમમાંથી થતી આવકમાંથી આ રકમ હપ્તે હપ્તે ભરી શકાશે.
હવે માસ્કની દરરોજને માટે માંગ રહે તેવી શક્યતા છે. જેને જોતા ખાદી ગ્રામોદ્યોગ આયોગ કલરવાળા અને ફેશનેબલ માસ્ક બનાવી રહ્યું છે. આ પ્રકારના માસ્કનું માર્કેટમાં 16 રૂપિયા લેખે વેચાણ કરવામાં આવી રહ્યું છે.
ગ્રામીણ મહિલાઓને એક માસ્ક દીઠ 3 રૂપિયા મળે છે. 16 રૂપિયામાં માસ્કની ફ્રી ડિલીવરી કરવામાં આવી રહી છે જેથી વધુમાં વધુ લોકો ખાદીના માસ્ક ખરીદવા માટે પ્રેરિત થાય. એક મીટર કપડામાં 10 માસ્ક તૈયાર થઈ રહ્યા છે. ખાદી ગ્રામોદ્યોગને જમ્મુ કશ્મીરમાંથી 7.5 લાખ માસ્ક બનાવવાનો ઓર્ડર મળ્યો છે. આ ઉપરાંત અનેક રાજ્યો પાસેથી આ પ્રકારના ઓર્ડર પાઈપલાઈનમાં છે. ખાદી ગ્રામોદ્યોગ એક દિવસમાં 20 હજાર માસ્ક બનાવવાની ક્ષમતા ધરાવે છે. લોકડાઉન પછી ખાદીના સ્ટોર પરથી રંગીન માસ્કની ખરીદી પણ કરી શકાશે.