ચમોલીમાં ગ્લેશિયર ફાટવાનું કારણ હજી અસ્પષ્ટ; મરણાંક-14

દેહરાદૂનઃ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગઈ કાલે સવારે નંદાદેવી ગ્લેશિયર (હિમખંડ) ફાટવાથી ધૌલીગંગા નદીમાં આવેલા ભયાનક પૂરની કુદરતી આફતનું કારણ હજી સ્પષ્ટ થયું નથી. તપોવન ડેમ નજીક જુદા જુદા સ્થળેથી અત્યાર સુધીમાં 14 મૃતદેહ મળ્યા છે. 125 જણ લાપતા છે. 15 જણને બચાવી લેવામાં આવ્યા છે. અનેક ઘર-મકાન પૂરના પાણીમાં વહી ગયા છે. બચાવ કામગીરી પૂરજોશમાં ચાલુ છે. ઈન્ડો-તિબેટન બોર્ડર પોલીસ ફોર્સના સેંકડો જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. તપોવન ડેમ નજીકની ટનલમાં ફસાઈ ગયેલા લોકોને ઉગારવાની કામગીરી પણ ચાલુ છે. ઋષિકેશ અને હરિદ્વારમાં વોટર સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ પૂર એલર્ટને કારણે બંધ રાખવામાં આવી છે. પૂરનાં પાણી બે હાઈડ્રોપાવર મથકોમાં ઘૂસી ગયા હતા અને બંને મથકનો નાશ કરી દીધો છે. તપોવન ક્ષેત્રમાં ચોર્મી નામના ગામમાં એક નાનો હાઈડ્રોઈલેક્ટ્રિક ડેમ પૂરના પાણીમાં વહી ગયો હતો.

દરમિયાન, વિદેશમાંથી અનેક ટોચના નેતાઓ દ્વારા ચમોલી આફત અંગે દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર (યૂએન) સંસ્થાના મહામંત્રી વતી પ્રવક્તાએ જણાવ્યું કે ઉત્તરાખંડમાં ગ્લેશિયર ફાટવા અને એને પગલે પૂર આવવાની આફતના સમાચાર તેમજ જાનહાનિ થયાના અને ઘણા લોકો લાપતા હોવાના સમાચાર જાણીને મહામંત્રીને ઘેરું દુઃખ પહોંચ્યું છે. એમણે ભોગ બનેલા લોકો અને ભારત સરકાર પ્રતિ એમની સંવેદના વ્યક્ત કરી છે. બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોન્સન અને ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્ટોક મોરિસને પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે અને આ કઠિન સમયમાં ભારત સરકારને જે કોઈ પણ મદદની જરૂર પડે તે કરવાની તૈયારી બતાવી છે.