લખનઉ – ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની ભાજપની સરકારે એક સર્ક્યૂલર બહાર પાડીને તમામ જિલ્લા વહીવટીતંત્રો તથા પોલીસતંત્રને આદેશ આપ્યો છે કે તેઓ ધાર્મિક સ્થળોએ મૂકવામાં આવેલા તમામ ગેરકાયદેસર લાઉડસ્પીકરોને દૂર કરે.
અલાહાબાદ હાઈકોર્ટે આપેલા ચુકાદાને પગલે ઉ.પ્ર. સરકારે આ આદેશ આપ્યો છે.
કોર્ટના ચુકાદાને પગલે, કોઈ પણ ધાર્મિક સ્થળના માલિક, મેનેજર કે ટ્રસ્ટીએ નિર્ધારિત મર્યાદામાં લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની સત્તાવાળાઓ પાસેથી પરવાનગી મેળવવાની રહેશે.
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયમો અનુસાર, રાતે 10 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી લાઉડસ્પીકરો વગાડી શકાશે નહીં. તે ઉપરાંત લાઉડસ્પીકર વગાડવા માટે ધ્વનિ મર્યાદા પણ નક્કી કરી દેવામાં આવી છે.
યોગી સરકારે 75 જિલ્લા વહીવટીતંત્રોને જણાવ્યું છે કે તેઓ એવા ધાર્મિક સ્થળો અને જાહેર સ્થળોને ઓળખી કાઢે જ્યાં ગેરકાયદેસર રીતે લાઉડસ્પીકરોનો ઉપયોગ કરવામાં આવે ચે.