ઉચ્ચ વર્ગના નશાની આવકનો ઉપયોગ દેશવિરોધી પ્રવૃત્તિઓમાં :RSS

નાગપુરઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) 96મો સ્થાપના દિવસ ઊજવી રહ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે વિજયાદશમીએ નાગપુરસ્થિત RSSના વડા મથકમાં શસ્ત્રપૂજન કર્યું હતું. તેમણે દેશમાં વધી રહેલી નશાની લત પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે ઉચ્ચ વર્ગથી સમાજના છેવાડાના માનવી સુધી દરેક સ્તરે ભયંકર નશાની લત છે અને નશાના વેપાર થકી આવકનાં નાણાંનો ઉપયોગ રાષ્ટ્રવિરોધી કામગીરીમાં કરવામાં આવે છે. સીમા પારના દેશ (પાકિસ્તાન) એને પ્રોત્સાહન આપે છે. તેમણે કહ્યું હતું કે OTT પ્લેટફોર્મ પર શું બતાવવામાં આવે છે, એના પર કોઈ નિયંત્રણ નથી. કોરોના રોગચાળા પછી બાળકોની પાસે ફોન છે. દેશમાં વિવિધ નશીલા પદાર્થોનો ઉપયોગ વધી રહ્યો છે, એને કેવી રીતે રોકા શકાય, માલૂમ નથી?

તેમણે કહ્યું હતું કે જનસંખ્યા નીતિ પર ફરી એક વાર વિચાર કરવામાં આવવો જોઈએ. આગામી 50 વર્ષ સુધીનો વિચાર કરીને નીતિ બનાવવી જોઈએ અને એ નીતિને બધા પર સમાન રીતે લાગુ કરવી જોઈએ.

જે દિવસે આપણે સ્વતંત્ર થયા એ દિવસે સ્વતંત્રતાનો આનંદ ની સાથે આપણે એક અત્યંત વેદના પણ મનમાં અનુભવ કર્યો અને એ દર્દ હજી સુધી ગયો નથી. આપણા દેશનું વિભાજન થયું હતું. અત્યંત દુખદ ઇતિહાસ છે, પરંતુ ઇતિહાસના સત્યનો સામનો કરવો જોઈએ, એને સમજવું જોઈએ.

1925માં વિજયાદશમીએ જ નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઈ હતી. આ દિવસે સંઘપ્રમુખે સંબોધનમાં જે વાતો કરે છે, એને લઈને સંઘ આગામી એક વર્ષ સુધી કામ કરે છે.