અમેરિકાનાં હિંસક પ્રદર્શનોમાં ગાંધીની પ્રતિમા ખંડિત

વોશિંગ્ટનઃ અમેરિકાના પાટનગર વોશિંગ્ટન DCમાં #blacklivesmatter પ્રદર્શનમાં સામેલ કેટલાંક તોફાની તત્ત્વોએ મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું છે. જોકે સ્થાનિક પોલીસે મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડફોડ મામલે તપાસ શરૂ કરી દીધી છે. પાછલા કેટલાક દિવસોથી અમેરિકામાં અશ્વેત શખસ જ્યોર્જ ફ્લાઇડના મોત પછી પ્રદર્શનો ચાલી રહ્યાં છે અને કેટલીક જગ્યાએ આ પ્રદર્શનો હિંસક થઈ ગયાં છે. અનેક જગ્યાએ દેખાવકારો દ્વારા તોડફોડના સમાચારો આવી રહ્યા છે.  

જ્યોર્જ ફ્લોઇડના મૃત્યુ પછી હિંસા

અમેરિકામાં પોલીસ હિરાસતમાં અશ્વેત વ્યક્તિ જ્યોર્જ ફ્લોઇડના માર્યા ગયા પછી ભડકેલાં હિંસક પ્રદર્શનોના કેટલાય દિવસ પછી રસ્તાઓ પર હવે શાંતિ દેખાઈ રહી છે અને દેખાવો હવે ધીમે-ધીમે શાંતિપૂર્ણ થઈ રહ્યાં છે. મિનિયાપોલિસમાં 25 મેએ એક શ્વેત પોલીસ અધિકારી દ્વારા ફ્લોઇડને ગળા પર ઘૂંટણભેર દબાવવાનો વિડિયો વાઇરલ થયા પછી અમેરિકામાં વ્યાપક જનાક્રોશ છે.આ વિડિયોમાં ફ્લોઇડ પોલીસ અધિકારીને કહી રહ્યો છે કે તે શ્વાસ નથી લઈ શકતો, છતાં એ પોલીસ અધિકારીએ પોતાના ઘૂંટણ એના ગળાથી હટાવતો નથી અને ધીમે-ધીમે ફ્લોઇડ શ્વાસ રૂંધાવા લાગતાં અંતે મૃત્યુ પામે છે.

ન્યુ યોર્કમાં રાત્રે લૂંટફાટ

ન્યુ યોર્ક શહેરમાં રાતભર લૂંટફાટના સમાચાર છે અને હિંસક પ્રદર્શન શરૂ થયા પછી બુધવાર સુધીમાં 9000થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેથી વોશિંગ્ટન અને ન્યુ યોર્ક જેવાં શહેરોમાં લોકોને દિવસે પણ રસ્તાઓ પર ના આવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ દેખાવકારો લોસ એન્જલસ, મિયામી, સેન્ટ પોલ, મિનિસોઆ, કોલંબિયા, સાઉથ કૈરોલિના અને હ્યુસ્ટન સહિત અનેક જગ્યાએ રસ્તા પર ઊતરી આવ્યા હતા.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]