નવી દિલ્હી- રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલે તેમના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. ઉર્જિત પટેલે ટ્વિટ કરી પોતાનું રાજીનામું આપ્યું છે, જેમાં તેમણે અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે. નોંધનીય છે કે, છેલ્લા ઘણા સમયથી તેમને સરકાર સાથે વિવાદ ચાલતો હતો. જેમાં અગાઉ પણ તેઓએ રાજીનામું આપવાના છે તેવા અહેવાલો વહેતા થયાં હતાં.
1990 બાદ પ્રથમવાર કોઇ ગવર્નર કાર્યકાળ પૂરો થયાં પહેલાં રાજીનામું આપ્યું છે. 14મી ડિસેમ્બરની આરબીઆઇની બેઠક પહેલાં ઉર્જિતના રાજીનામાથી મોટા સવાલો ઉભા થયાં છે.
સરકારને રિઝર્વ ભંડોળ આપવાની મનાઇ ફરામાવ્યા બાદ તેમનો સરકાર સાથેનો વિરોધ ઉગ્ર બની ગયો હતો. આજે એકાએક ઉર્જિત પટેલના રાજીનામાંથી દેશની આર્થિક વ્યવસ્થામાં મોટા ગાબડા પડે તેવી સંભાવના છે. તો અગાઉ અરવિંદ સુબ્રમણ્યમે પણ ભયંકર મંદી આવી રહી હોવાના સંકેતો આપ્યા હતાં.
આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલ ભારતીય રિઝર્વ બેંકની કેન્દ્રીય બોર્ડની 19 નવેમ્બરની પ્રસ્તાવિત બેઠકમાં રાજીનામું આપે તેવી સંભાવના હતી .જોકે, મોદીને મળ્યા બાદ તેમને રાજીનામું આપવાની પ્રોસેસ ટાળી દીધી હતી.
ઑનલાઇન ફાઇનાન્શિયલ પબ્લિકેશન મનીલાઈફે પોતાના એક રિપોર્ટમાં દાવો કર્યો છે. સરકાર અને આરબીઆઈ વચ્ચે તણાવ યથાવત છે. તો બીજીતરફ સરકાર સાથે જોડાયેલા સૂત્રોની વાત માનીએ તો સરકાર આરબીઆઈ પાસેથી દેવા સંબંધી મામલામાં રાહત અને તેના સરપ્લસ રિઝર્વથી 3.6 લાખ કરોડ રૂપિયા પ્રાપ્ત કરવા માટે પોતાનું દબાણ યથાવત રાખશે.
ઉલ્લેખનીય છે કે ગત 23 ઓક્ટોબરે મુંબઈમાં યોજાયેલી છેલ્લી બોર્ડ બેઠકમાં નાણાંમંત્રાલય અને આરબીઆઈના નજીકના મતભેદોને ખુલીને જાહેર કર્યા હતાં. બાદમાં વિવાદ આગળ વધ્યો હતો. તો નાણાં મંત્રાલયે સ્પષ્ટતા કરતા કહ્યું કે કેન્દ્રીય બોર્ડની સ્વાયત્તતા ‘એક મહત્વપૂર્ણ’ અને શાસન ચલાવવા માટે સ્વીકાર્ય જરૂર છે. મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે સરકાર અને આરબીઆઈ બંનેના જાહેર હિત અને ભારતીય અર્થવ્યવસ્થાની જરૂરિયાતોના હિસાબથી કામ કરવાનું છે. જોકે, હજી સુધીસ્પષ્ટ થયુ નથી કે શું વાસ્તવમાં બંને પક્ષોની વચ્ચે ગતિરોધ દૂર થયો છે કે નહીં.