રાજસ્થાનના સીએમનું નામ રાહુલ ગાંધી નક્કી કરશે, સચીન પાયલોટ કે અશોક ગહેલોત

જયપુર- વિધાનસભાની ચૂંટણીના પરિણામોના ટ્રેન્ડ જોતાં કોંગ્રેસની સરકાર બને તેવી મજબૂત સંભાવના છે. પરિણામો પછી કોંગ્રેસ પક્ષમાં નવો જીવ આવ્યો હોય તેમ રાજસ્થાનમાં હવે કોંગ્રેસમાંથી સીએમ કોણ બનશે તેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. અશોક ગેહલોત અને સચીન પાયલોટે એક પછી એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું છે સીએમ કોણ બનશે તે રાહુલ ગાંધી નક્કી કરશે. તે પછી એવી ચર્ચા ચાલી છે કે રાજસ્થાનનો તાજ અશોક ગહેલોત કે સચીન પાયલોટમાંથી કોને મળશે ?

અશોક ગહેલોતે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ ગુજરાતમાં જેવી રીતે મોદી અને અમિત શાહને પોતાના જ રાજ્યમાં કોર્નર કર્યા છે કે તે પછી તેઓ ઉભા થઈ શક્યાં નથી. તેમણે એમ પણ કહ્યું કે મોદી અને ભાજપ મુદ્દા વગર જ ચૂંટણી લડ્યાં હતા, કયારેક પ્લેન પાણીમાં ઉતાર્યું તો કયારેક મણીશંકર ઐયરને લઈને આવ્યાં હતાં.

તેમણે કહ્યુ કે ટેકનિકલી ભલે તેઓ જીતી ગયા હોય પણ ગુજરાતમાં કોઈની જીત નથી કે નથી કોઈની હાર. કોંગ્રેસને જનાદેશ મળ્યો છે. જોકે અમને બહુમતી મળી છે તેમ છતાં બિનભાજપ દળો અને અન્ય પક્ષોનું સ્વાગત છે.

સચીન પાયલોટે જીતનો બધો શ્રેય રાહુલ ગાંધીને આપ્યો હતો. આ પરિણામ પર તેમનો અધિકાર છે. આજના દિવસે જ રાહુલ ગાંધી વર્ષ પહેલા કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે કોંગ્રેસ ત્રણ રાજ્યોમાં સરકાર બનાવશે. ભાજપ સિવાયના પક્ષો છે તેઓ સતત તેમના સંપર્કમાં છે, અમે ઈચ્છીએ છીએ કે તેઓ અમારી સાથે આવે.

સચીન પાયલોટે કહ્યું કે જનાદેશ ભાજપની વિરુદ્ધમાં છે. તેઓએ અહંકાર અને ઘમંડની રાજનીતિ કરી હતી, જેથી તેમને નુકશાન થયું છે. અમારી પાસે એવા સમાચાર છે કે ભાજપ તડજોડમાં પડી છે, તે બિલકુલ ખોટું કરી રહી છે.

જે લોકો રાજસ્થાનમાં જીતીને આવ્યા છે તેઓ ભાજપની વિરુદ્ધમાં હતા, તેઓ જ જીત્યાં છે. એન્ટી બીજેપીનો માહોલ બન્યો છે. યુપીએ સાથે બીજા પક્ષો જોડાઈ રહ્યાં છે, તે આગામી દિવસોમાં વધુ સારા સંકેત આપશે. સચીન પાયલોટે કહ્યું કે બુધવારે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક થશે, તેમાં કોંગ્રેસના નેતૃત્વમાં અને ચૂંટાયેલા ધારાસભ્યો આગામી સીએમ નક્કી કરશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]