નવી દિલ્હી- લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે બીએસપી સુપ્રીમો માયાવતીની મુશ્કેલીમાં વધારો થયો છે. માયાવતીના સમયગાળા દરમિયાન વેચવામાં આવેલી ખાંડ મિલોનો કેસ હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના તપાસ હેઠળ આવ્યો છે. ઈડી હવે આ કેસમાં મની લોન્ડ્રિંગની તપાસ કરશે. આ મામલે તપાસ કરી રહેલ સીબીઆઈને મની લોન્ડ્રિગ સંબંધિત પુરાવાઓ મળ્યાં હતાં જે ઈડીને સોંપી દેવામાં આવ્યાં છે.
ઉત્તર પ્રદેશમાં વર્ષ 2010-11માં 21 ખાંડ મીલોને ખોટી રીતે વેચવાનો આરોપ છે. આરોપ છે કે, એ સમયગાળાની સરકારે નમ્રતા માર્કેટિંગ કંપનીને ફાયદો પહોંચાડવા માટે બોગસ બેલેન્સ સીટ અને રોકાણના નકલી ડોક્યૂમેન્ટના આધારે ખાંડ મીલોની હરાજીમાં સામેલ થવા માટે યોગ્ય માની લીધા. આ રીતે મોટાભાગની ખાંડ મીલો આ કંપનીને અડધી કિંમતે વેચી દીધી.
દિલચસ્પ વાત એ છે કે, જે સમયે આ ખાંડ મીલ નમ્રતા કંપનીને વેચવામાં આવી તે સમયે ઉત્તર પ્રદેશમા બહુજન પાર્ટીની સરકાર હતી અને માયાવતી મુખ્યપ્રધાન હતાં.
વર્ષ 2017માં યૂપીમાં ભારતી જનતા પાર્ટીની સરકાર આવ્યા બાદ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે એપ્રિલ 2018માં ખાંડ મીલોના વેચાણનો કેસ સીબીઆઈને સોંપવા ભલામણ કરી હતી. યોગી સરકારની ભલામણ પછી સીબીઆઈએ કેસ દાખલ કરીને તપાસ શરુ કરી હતી. પ્રાથમિક તપાસમાં જ આ મામલે કૌભાંડ થયુ હોવાનું સામે આવ્યું હતું.
આરોપ છે કે, ખાંડ મીલોનું ખોટી રીતે વેચાણ કરીને અંદાજે 1179 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. સીબીઆઈ તપાસમાં એ વાત પણ સામે આવી છે કે, આ મામલો મની લોન્ડ્રિંગનો પણ છે. ત્યાર બાદ ઈડીએ આ મામલે તપાસ આદરી છે.
ચૂંટણીના માહોલ વચ્ચે ખાંડ મીલોના કેસમાં ઈડી આ પ્રકરણ સાથે જોડાયેલા આરોપીઓની પુછપરછ હાથ ધરશે. ત્યારે આ મામલે બીએસપી અધ્યક્ષ અને પૂર્વ મુખ્યપ્રધાન માયાવતી સુધી તપાસ પહોંચે તેવી પણ શક્યતા છે.