ઉન્નાવ રેપપીડિતાનો જીવલેણ અકસ્માત, માતા-કાકીનું મોત, આરોપીનો પરિવાર ફરાર

નવી દિલ્હી- ઉન્નાવ બળાત્કાર પીડિતાની ગાડીને રવિવારે એક ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. માર્ગ દુર્ઘટનામાં ઉન્નાવની બળાત્કાર પીડિતા ગંભીર રીતે ઘાયલ થઇ હતી જ્યારે તેની માસી અને કાકીનું મોત થયું હતું. અત્યંત ગંભીર રીતે ઘાયલ થયેલી બળાત્કારની પીડિતાને વધુ સારવાર માટે લખનઉના ટ્રોમાં સેન્ટરમાં દાખલ કરવામાં આવી હતી. મહત્વનું છે કે, પીડિતાના કાકા રાયબરેલીની જેલમાં બંધ છે ત્યારે તેમને મળવા પરિવારના સભ્યો રાયબરેલી જઇ રહ્યા હતા. તેમની સાથે પીડિતાની માતા અને વકીલ પણ હતા. અકસ્માત પછી રેપ કાંડના આરોપી ધારાસભ્ય કુલદીપ સિંઘ સેંગરનો પરિવાર ભૂગર્ભમાં ઊતરી ગયો હતો.

 

આ એજ બળાત્કાર પીડિતા છે જેના પર ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગરે કથિત રીતે બળાત્કાર કર્યો હોવાનો આરોપ છે. આ સમગ્ર મામલો સામે આવ્યો હોવા છતાં પણ સેંગર વિરુદ્ધ ભાજપ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી.  એક ટ્રકે તેમની કારને ટક્કર મારી હતી.ઘાયલોને લખનઉના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરાયા હતા. ઘટનાને બે વાહનો વચ્ચે થયેલી અથડામણ માનવામાં આવે છે, પરંતુ પીડિતાની બહેને કહ્યું હતું કે  સેંગરે આ અકસ્માત કરાવ્યો હતો.ઘટનાની જાણ થતાં જ લખનઉ રેન્જના આઇજીએ ફોરેન્સિક ટીમને રવાના કરી હતી.

પીડિતાની બહેને કહ્યું હતું કે આ અકસ્માત પાછળ ભાજપના ધારાસભ્ય સેંગરનો જ હાથ છે.તેણે કહ્યું હતું કે સેંગરના માણસો જ આ અક્સ્માત પાછળ છે. લખનઉ આઇજીએ કહ્યું હતું કે કારમાં જગ્યા ન હોવાના કારણે પીડિતાનો બોડીગાર્ડ તેમની સાથે બેઠો નહતો.

પોલીસે ટ્રક ડ્રાઇવર અને માલિકની ધરપકડ કરી હતી જેઓ ફતેહપુરના રહેવાસી છે. બળાત્કારની પીડિતાની બહેને કહ્યું હતું કે આ અકસ્માત ધારાસભ્ય અને તેના મળતિયાઓએ કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ એજ યુવતી છે જેણે ઉન્નાવના ધારાસભ્ય કુલદીપ  સેંગર પર જ્યારે એ નોકરી માગવા ગઇ હતી ત્યારે સેંગર પર બળાત્કારનો આરોપ મૂક્યો હતો.

દરમિયાન સમાજવાદી પાર્ટીના વિધાનપરિષદના સભ્ય ઉદયવીર અને સુનીલ સાજન ઘાયલોને મળવા માટે હોસ્પિટલે પહોંચી ગયા હતા. ધારાસભ્ય સેંગર વિરુદ્ધ ઉન્નાવના માખી પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ અને પોક્સો હેઠળ ગુના નોંધાયેલા છે. વહીવટી તંત્રે આ ઘટનાની તપાસ સીબીઆઇ દ્વારા કરાવવા માગ કરી હતી, જેને એજન્સીએ સ્વીકારી લીધી હતી.

રેપ પીડિતાની માતાએ મિડિયા સમક્ષ આક્ષેપ કર્યો હતો કે આ અકસ્માત સેંગરે કરાવ્યો હતો. એ લગભગ રોજ અમને જોઇ લેવાની ધમકી આપતો હતો. સોમવારે સવારે પીડિતાની માતાએ મિડિયાને કહ્યુ્ં હતું કે હૉસ્પિટલની બહાર સેંગરના ગુંડાઓ આંટા મારી રહ્યા છે. સેંગર જેલમાં બેઠો બેઠો મોબાઇલ ફોન  વડે ધાર્યું કરી રહ્યો છે. તમે જલદીથી પીડિતાના કાકાને બોલાવો. અમારી પાસે વધુ સમય નથી. રાષ્ટ્રીય મહિલા પંચના અધ્યક્ષા સ્વાતિ દેવી પહોંચી ગયાં હતાં. તેમજ કોંગ્રેસના સિનિયર નેતા પ્રિયંકા ગાંધીએ મિડિયા સમક્ષ પૂછ્યું હતું કે સેંગર હજુ ભાજપના સભ્ય કઇ રીતે છે. પક્ષ એમની સામે પગલાં કેમ લેતો નથી.

રસપ્રદ વાત એ છે કે પોતાના ગામની અન્ય એક યુવતી પર રેપ કરવા બદલ સેંગર જેલમાં છે. એ કેસની તપાસ સીબીઆઇ કરી રહી છે. પીડિતાના કાકાને ભળતાં કેસમાં સંડોવીને જેલ ભેગા કરી દીધા હતા. એ રાયબરેલીની જેલમાં છે. જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઇ રહેલી પીડિતાના પિતાને સેંગરના ભાઇએ ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યા બાદ પોલીસને સોંપી દીધો હતો. જેલમાં એનું મરણ થયું હતું.