નવી દિલ્હી: યુકે ઈમિગ્રેશન બાબતે તાજેતરમાં 27 ફેબ્રુઆરીએ પ્રગટ થયેલા આંકડાઓ જણાવે છે કે 2019માં ભારતના 37500 વિદ્યાર્થીઓને ટાયર-4(સ્ટુડન્ટ) વિઝા આપવામાં આવ્યા છે, જે ગત વર્ષ કરતાં 93 ટકાનો ઉછાળો સૂચવે છે. ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવેલા વિઝાની સંખ્યા છેલ્લાં આઠ વર્ષની આ સૌથી મોટી છે. 2016થી આ સંખ્યા સતત વધતી જ રહી છે. સ્ટુડન્ટ વિઝા માટે ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી ઝડપથી વધી રહી છે.
ગયા વર્ષે 57,000 થી વધુ ભારતીય નાગરિકોને ટીયર 2 સ્કીલ્ડ વર્ક વિઝા આપવામાં આવ્યા હતા. આ આંકડો વિશ્વ સ્તર પર આપવામાં આવેલા તમામ સ્કીલ વર્ક વિઝાના 50 ટકાથી વધુ છે. એનો અર્થ એવો કે, વિશ્વના અન્ય દેશોની સરખામણી ભારતીયોને સૌથી વધુ વિઝા આપવામાં આવ્યાં.
ભારતીય પ્રવાસીઓ માટે યુકે સતત લોકપ્રિય હોલિડે ડેસ્ટિનેશન બની રહ્યું છે. ગયા વર્ષે 5,15,000 ભારતીય નાગરિકોને વિઝિટ વિઝા ઈશ્યૂ કરવામાં આવ્યા હતા, જે 2018ની સરખામણીએ 8 ટકા વધારો દર્શાવે છે. વર્ષ 2019માં યુકેના વિઝા માટે અરજી કરનારા 95 ટકા ભારતીયોને વિઝા પ્રાપ્ત થયા હતા. તેમાં પણ 2018ની સરખામણીએ 5 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી.
ભારતસ્થિત યુકે હાઈ કમિશનર જોન થોમ્પસનનું કહે છે કે, સ્ટુડન્ટ વિઝાની સંખ્યામાં અભૂતપૂર્વ વૃદ્ધિ યુકેની વૈશ્વિક સ્તરની શિક્ષણ પ્રણાલી અને ભારતીય વિદ્યાર્થીઓની પ્રતિભા દર્શાવે છે.