નવી દિલ્હીઃ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને (UGCએ) ગઈ કાલે સાંજે યુનિવર્સિટીઓ દ્વારા ટર્મિનલ સેમિસ્ટર (અથવા છેલ્લા વર્ષની પરીક્ષાઓ) યોજવા માટે સુધારેલી માર્ગદર્શિકા જારી કરી હતી. ગઈ કાલે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે યુનિવર્સિટીઓને લાંબા સમયથી બાકી રહેલી ફાઇનલ ટર્મની પરીક્ષાઓને યોજવાની મંજૂરી આપી દીધી છે, પરંતુ યુનિવર્સિટીઓએ અને શૈક્ષણિક સંસ્થાઓએ આરોગ્ય મંત્રાલયે કોવિડ-19 માટે જારી કરેલા સુરક્ષાના દિશા-નિર્દેશોને ધ્યાનમાં રાખતાં ફાઇનલ પરીક્ષાઓનું આયોજન કરવાનું રહેશે. છે. ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કેન્દ્રીય ઉચ્ચ શિક્ષણ સચિવને લખેલા પત્રમાં ગૃહ મંત્રાલયે આજે યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા પરીક્ષાને યોજવાની મંજૂરી આપવામાં આવી છે.
સપ્ટેમ્બરના અંત સુધીમાં પરીક્ષાઓ
કમિશને જારી કરેલા નવા સુધારેલા દિશા-નિર્દેશો મુજબ આ અંતિમ વર્ષની પરીક્ષાઓ શૈક્ષણિક કેલેન્ડર મુજબ સપ્ટેમ્બર,2020 સુધીમાં લઈ લેવામાં આવવી જોઈએ. જોકે કમિશને કહ્યું હતું કે ટર્મિનલ સેમિસ્ટર અથવા અંતિમ વર્ષની (ટર્મના અંતે લેવાતી પરીક્ષાઓ) યુનિવર્સિટીઓ અથવા સંસ્થાઓ દ્વારા સપ્ટેમ્બરના અંત સુધીમાં ઓનલાઇન કે ઓફલાઇન અથવા બંને વડે (ઓનલાઇન + ઓફલાઇન) લઈ શકાશે.
જોકે તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ઇન્ટરમિડિયેટ્સ સેમિસ્ટર- વર્ષની પરીક્ષાઓ અંગેની માર્ગદર્શિકા જે અગાઉ 29 એપ્રિલના નિવેદન મુજબ યથાવત્ રહેશે.
સંબંધિત સરકારી પ્રોટોકોલ-માર્ગદર્શિકાનું પાલન
UGCએ કહ્યું હતું કે યુનિવર્સિટીઓએ સ્ટુડન્ટ્સ, પ્રોફેસરો અને કર્મચારીઓના આરોગ્ય અને સુરક્ષાને સૌથી વધુ પ્રાથમિકતા આપવાની રહેશે અને પરીક્ષાઓ લેતી વખતે કોવિડ-19 સંબંધિત સરકારી પ્રોટોકોલ-માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે.
ફાઇનલ ટર્મની પરીક્ષાઓ ફરજિયાત
ગૃહ મંત્રાલય દ્વારા જારી થયેલા પત્ર અનુસાર ફાઇનલ ટર્મની પરીક્ષાઓ ફરજિયાત હશે અને UGCની ગાઇડલાઇન્સના અનુસાર લેવામાં આવશે. વળી, આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)નું પાલન કરવામાં આવશે
અનેક રાજ્યોને હાયર એજ્યુકેશનની પરીક્ષાઓ રદ કરી હતી
અત્યાર સુધી મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઓડિસા અને હરિયાણા સહિત કેટલાંય રાજ્યોએ હાયર એજ્યુકેશનની પરીક્ષાઓને રદ કરી દીધી હતી અને પાછલા પર્ફોર્મન્સને આધારે સ્ટુડન્ટ્સને પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો હતો. હાલમાં ગુજરાત સરકારે છેલ્લા વર્ષની પરીક્ષાઓને યોજવાના નિર્ણયની ઘોષણા કર્યા પછી ગણતરીના કલાકોમાં જ નિર્ણયને ફેરવી તોળ્યો હતો. રાજ્ય સરકારે પણ રાજ્યની બધી યુનિવર્સિટીઓમાં ગ્રેજ્યુએટ અને એના ઉપરના સ્તરની પરીક્ષાઓને રદ કરી દીધી હતી.