નવી દિલ્હી- પ્રવાસીઓએ ભારતીય રેલવેને પોતાનું ઘર માની લીધું હોય તેમ લાગી રહ્યું છે. આવું અમે નથી કહી રહ્યા પરંતુ ભારતીય રેલવે તરફથી જારી કરવામાં આવેલા આંકડા જણાવી રહ્યાં છે. રેલવેમાં યાત્રા દરમિયાન આપવામાં આવતી વસ્તુઓનો ઉપયોગ પ્રવાસીઓએ તેમના ઘરે કરવાનું શરુ કર્યું છે. કારણકે, પ્રવાસીઓ રેલવેની વસ્તુઓની ઉઠાંતરી કરીને તેને ઘરભેગી કરે છે.પશ્ચિમ રેલવે દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ જે માહિતી મળી છે તે પ્રમાણે વીતેલા નાણાકીય વર્ષ દરમિયાન ભારતીય રેલવેમાંથી 1.95 લાખ ટુવાલ ચોરી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 81 હજાર 736 ચાદર, 5 હજાર 38 તકિયા, 55 હજાર 573 તકિયા કવર અને 7 હજાર 43 ધાબળાઓ ચોરી થયાના મામલા પ્રકાશમાં આવ્યા છે.
મુસાફરોએ ચારી કરવામાં ટોઈલેટ મગને પણ બાકી રાખ્યા નહીં. વર્ષ દરમિયાન 200 ટોઈલેટ મગ, એક હજાર બાથરુમના નળ અને 300 ફ્લશ પાઈપ પણ ચોરી કરવામાં આવ્યા છે. ચોરી કરવામાં આવેલી વસ્તુઓની કિંમત આશરે 62 લાખ જણાવવામાં આવી છે. ગત ત્રણ વર્ષમાં ભારતીય રેલવેને ઉપરોક્ત ઘટનાઓને કારણે લગભગ રુપિયા ચાર હજાર કરોડનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ટ્રેનના કોચમાંથી ચોરી થયેલા તકિયા, ચાદર સહિતની વસ્તુનું નુકસાન કોચ અટેન્ડેન્ટને ભોગવવાનું હોય છે. જ્યારે બાથરુમમાંથી કોઈ વસ્તુ ચોરી થાય છે ત્યારે તેની ભરપાઈ કરવાની જવાબદારી ભારતીય રેલવેની હોય છે. ટ્રેનના સામાનની ચોરીની ઘટનાઓ અટકાવવા માટે સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો અને પ્રવાસીઓને કરવામાં આવતી અપીલ યાત્રીઓ પર કંઈ વિશેષ છાપ છોડી રહેલા નથી જણાઈ રહ્યા.