શ્રીનગર – જમ્મુ અને કશ્મીર રાજ્યના જમ્મુ, શ્રીનગર અને બારામુલ્લાને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નાગરિક વાહનોની અવરજવર પર સપ્તાહમાં બે દિવસ માટે મૂકાયેલા પ્રતિબંધનો આજથી આરંભ કરવામાં આવ્યો છે. સુરક્ષા જવાનોનાં કાફલાઓ આ હાઈવે પરથી સુરક્ષિત રીતે પસાર થઈ શકે એ બાબતને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે.
હાઈવે તરફ દોરી જતા તમામ આંતરિક માર્ગો પર ભારતીય લશ્કર, સ્થાનિક પોલીસ દળ તથા અર્ધલશ્કરી દળ સીઆરપીએફનાન જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. એમની અવરજવરને મુલ્કી વાહનોના ટ્રાફિકને કારણે અગવડ ન પડે એટલા માટે એવા વાહનો માટે દર સપ્તાહમાં બે દિવસ હાઈવે પર અવરજવર ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આને કારણે હાઈવે પર સેંકડો વાહનો, ખાસ કરીને ટ્રકોનાં પૈડાં થંભી ગયાં છે.
સિવિલીયન ટ્રાફિક પરનો આ પ્રતિબંધ દર સપ્તાહના રવિવાર અને બુધવારના દિવસોએ અમલમાં રહેશે. આ પ્રતિબંધ આવતી 31 મે સુધી અમલમાં રહેશે.
જમ્મુ અને કશ્મીર રાજ્યમાં ચૂંટણીની ફરજને માટે જવાનોને તહેનાત કરવા માટે લાવવામાં આવી રહ્યા છે અને એમની અવરજવરમાં સામાન્ય ટ્રાફિકને લીધે કોઈ અગવડ ન પડે એટલા માટે આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ પ્રતિબંધ ઉધમપુરથી બારામુલ્લા વાયા શ્રીનગર અમલમાં રહેશે.