સુરક્ષા મામલે ભારતીય રેલવેનું 40 વર્ષનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન

નવી દિલ્હી– ભારતીય રેલવેએ સુરક્ષાના સ્તરે મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. રેલવે એ વર્ષ 2018 2019માં માર્ચ સુધીમાં સૌથી ઓછી દુર્ઘટના સાથે છેલ્લા 40 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. વર્ષ 1980 81માં 1130 જેટલી દુર્ઘટનાઓ સર્જાઈ હતી, જે ઘટીને વર્ષ 2018 19માં માત્ર 59 જેટલી નોંધાઈ છે.

આ રીતે રેલવે દુર્ઘટનામાં 94.8 ટકાનો ઘટાડો નોંધાયો છે. એવી જ રીતે વર્ષ 1981 82માં દુર્ઘટનામાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 658 હતી જે વર્ષ 2018 19માં ઘટીને 37 થઈ ગઈ હતી. જ્યારે વર્ષ 2017 18માં આ દુર્ઘટનાઓની સંખ્યા 73 હતી.

આ સમયગાળામાં સુરક્ષાને લઈને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત સ્ટાન્ડર્ડ ‘એક્સિડેન્ટ પર મિલિયન ટ્રેન કિલોમીટર’માં ઉલ્લેખનીય સુધારો થયો છે. રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, એક્સિડેન્ટ પર મિલિયન ટ્રેન કિલોમીટરની સંખ્યા 1981માં 2.20 હતી તેની સરખામણીએ વર્ષ 2018 19માં ઘટીને સૌથી ઓછી 0.06 રહી ગઈ છે.

આંકડાઓ અનુસાર વર્ષ 1990થી લઈને 1995 દરમિયાન પ્રતિ વર્ષ સરેરાશ 500 દુર્ઘટનાઓ થતી હતી. જેમાં 2400 લોકોના મોત અને 4300 લોકો ઘાયલ થતાં હતાં. તેના એક દાયકા બાદ એટલે કે, 2013થી લઈને 2018 દરમિયાન પ્રતિ વર્ષ થતી દુર્ઘટનાઓની સરેરાશ સંખ્યા ઘટીને 110 પર પહોંચી ગઈ હતી.

જ્યારે આ સમયગાળા દરમિયાન અંદાજે 900 લોકના મોત થયાં હતા અને અંદાજે 1500 લોકો ઘાયલ થયાં હતાં. વર્ષ 2018 19 દરમિયાન 59 રેલવે દુર્ઘટના થઈ, આ દુર્ઘટનાઓમાં 37 લોકોના મોત થયાં જ્યારે 108 લોકો ઘાયલ થયાં હતાં. આ પહેલા ભારતીય રેલવેએ ચાલુ વર્ષે જાન્યુઆરીમાં સુરક્ષાની દ્રષ્ટીએ મહત્વપૂર્ણ ઉપલબ્ધી પ્રાપ્ત કરાવતા માનવરહિત ફાટકોને નાબૂદ કરવાનું લક્ષ્ય પ્રાપ્ત કરી દીધું હતું. જેમાં માત્ર અલ્લાહાબાગ વિભાગ જ અપવાદ હતો. રેલવેએ 2018માં 3478 માનવરહિત ફાટકોને નાબૂદ કરી દીધા. માનવરહિત ફાટકોને ખત્મ કર્યાં બાદ દુર્ઘટનાઓમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]