શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના જમ્મુના નરવાલ વિસ્તારમાં એક પછી એક બે બોમ્બધડાકા થયા છે. આ બોમ્બધડાકા સાત લોકો ઇજાગ્રસ્ત થવાના અહેવાલ છે. બધા ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ધડાકા પછી જમ્મુ-કાશ્મીર પોલીસ ને અન્ય સુરક્ષા દળોના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સંપૂર્ણ વિસ્તાર ખાલી કરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યા મુજબ બોમ્બધડાકો એક ગાડીમાં થયો હતો. ત્યાર બાદ બીજો બોમ્બધડાકો થયો હતો. નરવાલે વિસ્તારમાં ધડાકા- બંને ધડાકા ટ્રાન્સપોર્ટ નગરના યાર્ડ નંબર સાત અને નવ પર થયા છે. પોલીસ અહીંથી વાહનોને દૂર કરી રહી છે. મિડિયાને પણ અહીંથી દૂર કરવા માટે કહેવામાં આવ્યું છે.
જમ્મુના નરવાલ વિસ્તારમાં થયેલા બે ધડાકા એટલા માટે ચિંતાજનક છે, કેમ કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હાલના સમયમાં જમ્મુ સંભાગમાં ચાલી રહી છે. આ સમયે જમ્મુ સંભાગના કઠુઆ જિલ્લામાં છે. એક સ્થાનિક નાગરિકે જણાવ્યું હતું કે જે જગ્યાએ ધડાકો થયો છે, ત્યાં પાંચ દિવસ પહેલાં LG આવ્યા હતા.
જમ્મુ શહેરના ડેપ્યુટી મેયર બલદેવ સિંહે જણાવ્યું હતું કે અધિકારીઓ તપાસ પછી આ ધડાકાનું કારણ બતાવશે કે આ દુર્ઘટના છે કે આતંકવાદીનું કાવતરું. હાલ આ દુર્ઘટનામાં સાત લોકો ઘાયલ થયા છે અને એમાંથી કેટલાકની સ્થિતિ ગંભીર છે. તેમણે કહ્યું હતું કે કેટલાક દિવસો પહેલાં રાજૌરીમાં હુમલો થયો હતો. પ્રજાસત્તાક દિન આવી રહ્યો છે, જેથી તેઓ જમ્મુ-કાશ્મીરને બદનામ કરવા ઇચ્છે છે. તેઓ ફરીથી અહીં આતંકવાદને ફેલાવવા માગે છે.