કશ્મીરમાં પૂરનાં પાણીમાં તણાઈ જતાં બે લશ્કરી જવાન શહીદ

શ્રીનગરઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરમાં છેલ્લા અમુક દિવસોથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે. મેદાન તેમજ પહાડી વિસ્તારોમાં તોફાની વરસાદ છે. એને કારણે પ્રદેશની અનેક નદીઓમાં પૂર આવ્યું છે. ગઈ કાલે બનેલી એક કમનસીબ ઘટનામાં, પૂંચ જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદ પર ચોકીપહેરો કરી રહેલા બે જવાન પૂરનાં પાણીથી ઉભરાતી એક નદીને પાર કરતી વખતે પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા હતા. બંનેના મૃતદેહ મળી આવ્યા છે. એક જવાનનું નામ છે નાયબ સૂબેદાર કુલદીપસિંહ અને બીજા જવાનનું નામ તેલુ રામ હોવાનું મનાય છે. કુલદીપસિંહ પંજાબના તરન તારન જિલ્લાના ચાભલ કાલન ગામના વતની હતા. એમના પરિવારમાં એમના પત્ની અને બે બાળકો છે. બીજા જવાન વિશે અન્ય વિગત પ્રાપ્ત થઈ નથી.

બંને જવાન અત્યંત કપરા પહાડી વિસ્તારમાં એરિયા ડોમિનેશન પેટ્રોલ કામગીરી દરમિયાન પોશાના નદીને પાર કરતા હતા ત્યારે પાણીના પ્રવાહમાં ખેંચાઈ ગયા હતા. ભારતીય સેનાએ બંને જવાનના શોકગ્રસ્ત પરિવાર પ્રતિ સંવેદના વ્યક્ત કરી છે.