ટીવી પત્રકાર રોહિત સરદાનાનું કોરોનાને લીધે નિધન

નવી દિલ્હીઃ વરિષ્ઠ પત્રકાર અને ‘આજ તક’ હિન્દી ચેનલના એન્કર રોહિત સરદાનાનું કોરોનાવાઈરસ બીમારીને કારણે આજે અહીંની મેટ્રો હોસ્પિટલમાં અવસાન થયું છે. એ 41 વર્ષના હતા. આ સમાચારને પગલે હિન્દી પત્રકારત્વ તેમજ સમગ્ર ભારતીય પત્રકારઆલમમાં શોકની લાગણી ફરી વળી છે. હરિયાણાના કુરુક્ષેત્રમાં જન્મેલા સરદાના અગાઉ ઝી મિડિયા સાથે પણ સંકળાયેલા હતા. ઝી ન્યૂઝના વડા તંત્રી સુધીર ચૌધરીએ કહ્યું કે ઝી મિડિયા સાથે સરદાનાનો ઘણો લાંબો અને સફળ સંગાથ રહ્યો હતો. એમના અચાનક અને આઘાતજનક નિધનથી સમગ્ર મિડિયા જગતમાં ઘેરો શોક ફરી વળ્યો છે. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદીયા, કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલા, બોલીવૂડ અભિનેત્રી રવીના ટંડન સહિત અનેક જાણીતી હસ્તીઓએ સરદાનાના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.

સરદાનાના સહયોગીઓનું કહેવું છે કે એમને કોરોનાનો ચેપ લાગ્યો હતો અને એમને હૃદયરોગનો હુમલો આવતાં એમનું પ્રાણપંખેરું ઊડી ગયું. ઝી ન્યૂઝ પર સરદાના સંચાલિત ‘તાલ ઠોક કે’ ડીબેટ કાર્યક્રમ ઘણો લોકપ્રિય થયો હતો. એમણે 2017માં ઝી ન્યૂઝ છોડ્યું હતું અને આજ તકમાં જોડાયા હતા ત્યાં એ ‘દંગલ’ નામે ડીબેટ શો યોજતા હતા. એમને 2018માં ‘ગણેશ વિદ્યાર્થી પુરસ્કાર’થી સમ્માનિત કરવામાં આવ્યા હતા.