તૃપ્તિ દેસાઈને કોચી એરપોર્ટ પરથી જ પાછાં ફરવું પડ્યું; સબરીમાલામાં પાછાં ફરવાનો નિશ્ચય કર્યો

કોચી – મહારાષ્ટ્રનાં સમાજસેવિકા તૃપ્તિ દેસાઈ તથા અન્ય છ મહિલાઓ કેરળના સબરીમાલા મંદિરમાં દર્શન કરવા માટે આજે વિમાન દ્વારા કોચી આવી પહોંચ્યાં હતાં ,પરંતુ એમને 13 કલાક સુધી એરપોર્ટમાં જ રહેવાની ફરજ પાડવામાં આવી હતી. અંતે મોડી સાંજે એમણે પુણે શહેર પાછાં ફરવાનું નક્કી કર્યું હતું. જોકે આવતા વર્ષની 20 જાન્યુઆરીએ સબરીમાલા મંદિરનાં દ્વાર બંધ કરાય એ પહેલાં પાછા ફરવાની એમણે પ્રતિજ્ઞા પણ લીધી છે.

તૃપ્તિ તથા એમની સહયોગીઓને ભારતીય જનતા પાર્ટી તથા હિન્દુ સમુદાજનાં સેંકડો કાર્યકર્તાઓએ એરપોર્ટમાંથી બહાર આવતાં રોક્યાં હતાં. પરિણામે એમને એરપોર્ટની અંદર જ રહેવાની ફરજ પડી હતી.

એરપોર્ટ ખાતે સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સના અધિકારીઓએ પત્રકારોને કહ્યું હતું કે દેસાઈએ આજે રાતે અહીંથી પાછાં ફરવાનો નિર્ણય લીધો છે.

આ સમાચાર સાંભળીને એરપોર્ટની બહાર ભેગા થયેલા સેંકડો લોકોએ હર્ષનાદ કર્યો હતો.

દેસાઈ તથા એમનું ગ્રુપ આજે વહેલી સવારે લગભગ 4.45 વાગ્યે પુણેથી કોચી આવી પહોંચ્યું હતું. પરંતુ એ પહેલાંથી જ સેંકડો દેખાવકારો એરપોર્ટની બહાર એકત્ર થયા હતા અને એમણે દેસાઈ વિરુદ્ધ નારા લગાવ્યા હતા અને પોલીસો હાજર હોવા છતાં એમને એરપોર્ટ સંકુલની બહાર આવતાં રોક્યાં હતાં.

સમય પસાર થતો ગયો તેમ દેખાવકારોની સંખ્યા વધતી ગઈ હતી. એમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ હતા. એમણે એરપોર્ટના એન્ટ્રી અને એક્ઝિટ પ્રવેશદ્વારોનો કબજો લઈ લીધો હતો.

દેસાઈએ એમના કાનૂની નિષ્ણાતો મારફત કેરળ હાઈકોર્ટનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સમય પસાર થતો ગયો હતો. કોર્ટ હવે બે દિવસ બંધ છે. આખરે થાકીને એમણે એરપોર્ટ પર પોલીસને જણાવી દીધું હતું કે પોતે પાછાં ફરશે, પણ અહીં પાછાં આવવાની એમણે પ્રતિજ્ઞા પણ લીધી હતી.

દેસાઈ કદાચ સુપ્રીમ કોર્ટમાં જાય એવી ધારણા છે.