CBIને પરવાનગી વગર આંધ્રપ્રદેશમાં એન્ટ્રી નહીં: ચંદ્રાબાબુ નાયડુ

હૈદરાબાદ- આંધ્રપ્રદેશમાં CBIની ટીમ હવે રાજ્ય સરકારની મંજૂરી વગર પ્રવેશ કરી શકશે નહીં. રાજ્યના મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ એક નિવેદન જાહેર કરી આ અંગે જાણકારી આપી છે. રાજ્ય સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે કે, હવેથી કેન્દ્રીય તપાસ એજન્સીના કોઇ પણ અધિકારીને આંધ્રપ્રદેશમાં એન્ટ્રી કરતા પહેલાં રાજ્ય સરકાર પાસેથી અનુમતિ લેવી પડશે. ચંદ્રાબાબુ નાયડુના આ નિવેદન બાદ આંધ્રપ્રદેશ અને કેન્દ્ર સરકાર વચ્ચે ટકરાવનો નવો મુદ્દો ઉભો થઇ ગયો છે. રાજ્ય સરકારે આ અંગે નોટિફિકેશન પણ જાહેર કર્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, હવેથી CBI કોઇ પણ કેસમાં તપાસ કરવા અથવા સર્ચ ઓપરેશન ચલાવવા માગે છે તો તેના માટે CBIએ પહેલા રાજ્ય સરકારને જણાવવું પડશે અને લેખિતમાં પરવાનગી લેવી પડશે. રાજ્ય સરકારની મંજૂરી વગર CBIના કોઈ પણ અધિકારીને રાજ્યમાં એન્ટ્રી આપવામાં આવશે નહીં.

ચંદ્રાબાબુ સરકારે જાહેર કરેલા નોટિફિકેશનમાં જણાવ્યું છે કે, દિલ્હી સ્પેશિયલ પોલીસ ઈસ્ટેબ્લિશ્મેન્ટ એક્ટ 1946ને પરત ખેંચવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે, CBIની પસંદગી દિલ્હી સ્પેશિયલ પોલીસ ઈસ્ટેબ્લિશ્મેન્ટ 1946 હેઠળ કરવામાં આવી હતી. આંધ્રપ્રદેશ સરકારનો આ નિર્ણય CBIમાં થયેલી ઉથલ પાથલ બાદ સામે આવ્યો છે.આંધ્રપ્રદેશ સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ CBI vs CBI મામલો સામે આવ્યા બાદ કેન્દ્રીય તપાસ એજન્સી પર રાજ્ય સરકારનો વિશ્વાસ ઓછો થઈ ગયો છે. એટલા માટે આંધ્રપ્રદેશની ચંદ્રાબાબુ સરકારે ઉપરોક્ત નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના આ નિર્ણય બાદ CBI હવે આંધ્રપ્રદેશમાં કોઇ પણ ઘટનામાં સીધી તપાસ શરુ કરી શકશે નહીં. CBIને બદલે એન્ટી કરપ્શન બ્યૂરો (ACB) આંધ્રપ્રદેશ સરકારે નક્કી કરેલા ધારાધોરણમાં રહીને ઘટનાની તપાસ કરી શકશે.