મોદી સરકારે સર્જ્યો છે એક વધુ ઈતિહાસ; ટ્રિપલ તલાક ખરડો રાજ્યસભાએ પણ પાસ કર્યો

નવી દિલ્હી – મુસ્લિમ સમાજમાં કલંકિત એવી ટ્રિપલ તલાક પ્રથાનો હવે અંત આવી ગયો છે. આજે આ ખરડાને રાજ્યસભાએ પણ પાસ કરી દીધો છે. લોકસભા ગૃહ આ ખરડાને પહેલાથી જ પાસ કરી ચૂક્યું છે. આમ, સંસદની મંજૂરી મળી જતાં મુસ્લિમ સમાજમાં ટ્રિપલ તલાક પ્રથા ખતમ થઈ ગઈ છે. ટ્રિપલ તલાક પ્રથાનો અંત લાવતો ખરડો હવે કાયદો બની ગયો છે.

મુસ્લિમ પતિઓ જો ત્રણ વાર તલાક શબ્દ બોલીને એમની પત્નીઓને છૂટાછેડા આપશે તો જેલભેગા થશે. ટ્રિપલ તલાક દ્વારા છૂટાછેડા આપવો ગુનો બની ગયો છે.

આજે આ ખરડા પર થયેલા મતદાનમાં અનેક વિરોધપક્ષોનાં સભ્યો ગેરહાજર રહ્યા હતા. સ્લિપ્સ મારફત યોજાયેલા મતદાનમાં સરકારની તરફેણમાં 99 અને વિરુદ્ધમાં 84 મત પડ્યા હતા.

કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ઓલ ઈન્ડિયા અન્નાડીએમકે, ડીએમકે, રાષ્ટ્રીય જનતા દળ જેવી પાર્ટીઓએ આ ખરડાનો વિરોધ કર્યો હતો.

ઓલ ઈન્ડિયા અન્નાડીએમકે પાર્ટીના 11 સભ્યો મતદાન વખતે રાજ્યસભા ગૃહમાંથી સભાત્યાગ કરી જતાં ભાજપ-એનડીએનો વિજય થયો હતો.

ટ્રિપલ તલાક ખરડાને સંસદની સિલેક્ટ કમિટીને મોકલવાના વિપક્ષના પ્રસ્તાવનો આજે રાજ્યસભામાં કરાયેલા મતદાનમાં 100-84 મતોથી પરાજય થયો હતો. ત્યારબાદ મૂળ પ્રસ્તાવ પર મતદાન યોજાયું હતું.

રાજ્યસભામાં ચર્ચા પૂરી થયા બાદ ટ્રિપલ તલાક ખરડા ઉપર મતદાન યોજાયું હતું. એમાં બીએસપીના સભ્યો સભાત્યાગ કરી ગયા છે. જ્યારે ટીઆરએસ, ટીડીપી, ઓલ ઈન્ડિયા અન્નાદ્રમુક, જનતા દળ (યૂનાઈટેડ)ના સભ્યો ગેરહાજર રહ્યા હતા. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર અને એમના સાથી નેતા પ્રફુલ પટેલ પણ ગેરહાજર રહ્યા હતા. બીજી બાજુ, શાસક ભારતીય જનતા પાર્ટીએ એના તમામ સભ્યોને આજે ગૃહમાં ફરજિયાત હાજર રહેવાનો વ્હીપ ઈસ્યૂ કર્યો હતો. મૂળ પ્રસ્તાવના મતદાન વખતે રાજ્યસભામાં કુલ 241માંથી 57 સભ્યો ગૃહમાં ગેરહાજર હતા. આમ, મોદી સરકાર અને ભાજપ માટે જીતનો માર્ગ મોકળો થઈ ગયો હતો.

રાજ્યસભામાં આ ખરડાને પાસ કરાવવા માટે મોદી સરકારને 19 મહિના સુધી રાહ જોવી પડી હતી. આખરે એમને આજે સફળતા મળી.

મુસ્લિમ વીમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ ઓન મેરેજ) બિલ, 2019 અગાઉ ત્રણ વાર લોકસભાને પાછો મોકલવામાં આવ્યો હતો.

આ ખરડો મુસ્લિમ પુરુષો દ્વારા ઈન્સ્ટન્ટ છૂટાછેડાને ગુનો ગણે છે. એમાં કસુરવાર સાબિત થનાર મુસ્લિમ પતિને ત્રણ વર્ષ સુધીની જેલ થઈ શકે છે.

કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું છે કે, આજનો દિવસ ઐતિહાસિક છે. સંસદના બંને ગૃહે મુસ્લિમ મહિલાઓને ન્યાય આપ્યો છે.

વડા પ્રધાન મોદીના પ્રત્યાઘાત

ટ્રિપલ તલાક ખરડો રાજ્યસભાએ પણ પાસ કરી દીધા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને એમના પ્રત્યાઘાતમાં જણાવ્યું કે, ટ્રિપલ તલાક પ્રથાને કારણે ઘણી યાતના ભોગવનાર એ તમામ મુસ્લિમ મહિલાઓની ઉલ્લેખનીય હિંમતને સલામ કરવાનો આ પ્રસંગ છે. ટ્રિપલ તલાક પ્રથાની નાબૂદી મહિલાઓનાં સશક્તિકરણમાં ભૂમિકા ભજવશે, મહિલાઓને આપણા સમાજમાં મોભો અપાવશે જેનાં તેઓ હકદાર, પાત્ર છે.