નવી દિલ્હી – સુધારિત ટ્રિપલ તલાક ખરડો, જેને સંસદમાં પાસ કરાવવા કેન્દ્ર સરકાર ઉત્સૂક છે, તેને આજે રાજ્યસભામાં હાથ ધરી શકાયો નહોતો, કારણ કે વિરોધપક્ષોએ એવી માગણી કરી હતી કે આ ખરડાને પસંદગી સમિતિને મોકલવામાં આવે.
શાસક પક્ષનું કહેવું છે કે આ ખરડો પાસ કરાવવામાં વિપક્ષ જાણીજોઈને સમય બરબાદ કરે છે.
આ ખરડો લોકસભામાં પાસ કરાવવામાં શાસક ભારતીય જનતા પાર્ટીને સફળતા મળી છે, પણ રાજ્યસભામાં એ અટવાઈ ગયો છે. આજે પણ ગૃહમાં શાસક અને વિપક્ષી સભ્યો વચ્ચે સખત દલીલબાજી થઈ હતી, પરિણામે નાયબ અધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહે ગૃહની બેઠક આજે મુલતવી રાખી દીધી હતી. આ મુદ્દે રાજકારણ રમતા હોવાનો બંને પક્ષે એકબીજા પર આક્ષેપ કર્યો હતો.
કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે ટ્રિપલ તલાકને કાયદો બનાવવા પાછળ સરકારનો ઉદ્દેશ્ય માનવતા સંબંધિત છે. સુપ્રીમ કોર્ટે ટ્રિપલ તલાક પ્રથાને ગેરકાયદેસર જાહેર કરી છે તે છતાં દેશમાં ટ્રિપલ તલાકના બનાવો બનવાનું હજી ચાલુ છે. આ ખરડાને રોકી રાખવો યોગ્ય નથી. સરકાર આ અંગે વિપક્ષના સૂચનો પર વિચારણા કરવા તૈયાર છે.
કોંગ્રેસના નેતા અને ગૃહમાં વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે મહત્ત્વના ખરડાઓને પ્રશાસકીય અભ્યાસ માટે સ્થાયી સમિતિને મોકલવાની પ્રથાની સરકાર અવગણના કરી રહી છે. સરકાર ટ્રિપલ તલાક ખરડાને સ્થાયી સમિતિને મોકલતી નથી એટલે એને પસંદગી સમિતિને મોકલવા માટે રાજ્યસભામાં વિપક્ષ લડી રહ્યો છે.
તૃણમુલ કોંગ્રેસના સભ્ય ડેરેક ઓબ્રિયાને કહ્યું કે આ ખરડાને પસંદગી સમિતિમાં મોકલવાના મુદ્દે મોટા ભાગના વિરોધ પક્ષો સંગઠિત છે. એ માટે અમે ચર્ચામાં ભાગ લેવા પણ તૈયાર છીએ અને ઉચિત સંસદીય અભ્યાસ થઈ ગયા બાદ જ આ ખરડાને પાસ કરવામાં આવે એવી અમારી માગણી છે. આ ખરડાને સિલેક્ટ કમિટીને મોકલવામાં આવે એ માટે મેં નોટિસ આપી દીધી છે.