માયાવતીની કોંગ્રેસને ધમકી: ‘ભારત બંધ’ના કેસો પરત લે નહીં તો……

લખનઉ- રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સરકાર રચવા માટે કોંગ્રેસને સમર્થન આપ્યા બાદ હવે બીએસપીએ કોંગ્રેસ સામે શર્ત રાખી છે. બહુજન સમાજ પાર્ટી (બીએસપી)એ કોંગ્રેસ પાસે માગ કરી છે કે, બંન્ને રાજ્યોમાં ગત 2 એપ્રિલના રોજ ભારત બંધ દરમિયાન જે આંદોલનકારીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યા છે તે, પરત લેવામાં આવે. બીએસપીએ ચેતવણી ભરેલા શ્વરમાં કહ્યું છે કે, જો કેસ પરત લેવામાં નહીં આવે તો તે કોંગ્રેસને બહારથી સમર્થન આપવાના તેમના નિર્ણય પર પુન:વિચારણ કરી શકે છે.

તમને જણાવી દઈએ કે, બંન્ને રાજ્યોમાં કોંગ્રેસને પૂર્ણ બહુમત ન હતો મળ્યો ત્યારે બીએસપીએ કોગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરી હતી.

બીએસપીએ એક પ્રેસ રિલીઝ જારી કરીને કહ્યું કે, ગત 2 એપ્રિલના રોજ થયેલા ભારત બંધ દરમિયાન રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જે આંદોલનકારીઓ સામે કેસ ફાઈલ કરવામાં આવ્યાં છે, તેમને પરત ખેંચવામાં આવે. જો અમારી આ માંગણી પૂર્ણ નહીં થાય તો કોંગ્રેસને બંન્ને રાજ્યો બહારથી સમર્થન આફવાના અમારા નિર્ણય પર પુન: વિચારણા કરવામાં આવશે. બીએસપીની આ ઘમકી બાદ કોંગ્રેસની ચિંતામાં વધારો થયો છે.

બીએસપી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, ભારત બંધ દરમિયાન યુપી સહિત બીજેપી શાસિત રાજ્યોમાં જાતિગત અને રાજનૈતિક દ્વેષની ભાવના હેઠળ કાર્યવાહી કરીને લોકોને ખોટી રીતે ફસાવવામાં આવ્યાં છે. આવા લોકો સામે ચાલી રહેલા કેસ ત્યાં (એમપી અને રાજસ્થાનમાં ) બનેલી કોંગ્રેસની સરકાર પરત લે.

ઉલ્લેખનીય છે કે, એમપી અને રાજસ્થાનમાં કોગ્રેસ સાથે સીટોની વહેંચણીને લઈને સમજૂતી ન બનતા બીએસપી પાર્ટી વિધાનસભા ચૂંટણીમાં એકલી મેદાનમાં ઉતરી હતી. બીએસપીએ મધ્યપ્રદેશમાં બે અને રાજસ્થાનમાં 6 સીટો પર જીત મેળવી હતી. ત્યાર બાદ કોંગ્રેસને પૂર્ણ બહુમત ન મળવાની સ્થિતિમાં  બીએસપીએ ઉત્સાહમાં આવીને કોંગ્રેસને વગર માગ્યે બંન્ને રાજ્યોમાં સમર્થન આપવાની જાહેરાત કરી હતી.