નવી દિલ્હીઃ મિલિટરી સેક્ટરમાં ‘આત્મનિર્ભર ભારત’ સિદ્ધાંતને બળ પૂરું પાડવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર સંરક્ષણ સામગ્રીઓની આયાતના એવા અનેક પ્રકલ્પને હાલપૂરતું સ્થગિત કરી દેવાની છે જે ‘ખરીદ (વૈશ્વિક) માર્ગ’ મારફત પ્રાપ્ત કરાતા હોય છે. ‘બાય (ગ્લોબલ) રૂટ’નો અર્થ થાય છે, સંરક્ષણ દળો વિદેશી વેપારીઓ મારફત સંરક્ષણ સામગ્રીઓની સંપૂર્ણપણે આયાત કરી શકે.
કેન્દ્ર સરકારે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે તે નવી ‘સંરક્ષણ ઉત્પાદન અને નિકાસ પ્રોત્સાહન નીતિ’ જાહેર કરવાની તૈયારીમાં છે. આ નીતિને પગલે સંરક્ષણ સામગ્રીઓના દેશમાં જ, સ્વદેશી ટેક્નોલોજીથી ઉત્પાદનને વધારે બળ પ્રાપ્ત થશે અને સાથોસાથ મિત્ર દેશોને એવી સામગ્રીઓની નિકાસ કરવામાં મદદરૂપ પણ થશે. સરકારના નિર્ણયને પગલે ભારતીય નૌકાદળ, હવાઈ દળ અને ભૂમિ દળની અનેક યોજનાઓ અટકી જશે. નૌકાદળ માટે કામોવ હેલિકોપ્ટર ખરીદવાનું પણ સ્થગિત થઈ જશે.