ઓમિક્રોનના દર્દીઓમાં સ્વાદ, ગંધ જવા સામાન્ય વાત નથીઃ નિષ્ણાત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસો વધવાની ઝડપ રોકેટ ગતિએ છે, પણ એનાથી પણ વધુ ખતરનાક એ છે કે ત્રીજી લહેરમાં બાળકોના સંક્રમણના કેસો બહુ ઝડપથી વધી રહ્યા છે. કોરોનાગ્રસ્ત સંક્રમિત બાળકોમાં તેજ તાવ અને કંપારી લક્ષણો જોવા મળ્યાં છે. જોકે ઓમિક્રોનના દર્દીઓમાં સ્વાદ અને ગંધને પારખવાની વાત સામાન્ય નથી, એમ ગંગારામ હોસ્પિટલમાં બાળ રોગ નિષ્ણાત ડો. ધીરેન ગુપ્તાએ કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે 11-17 વર્ષનાં કિશોરો કોરોના સંક્રમિત છે, જેમનામાં તેજ તાવ અને કંપારીનાં લક્ષણો જોવા મળ્યાં છે. બે વર્ષથી ઓછી વયનાં બાળકોમાં પણ એ લક્ષણ જોવા મળ્યાં છે. એમાંથી કેટલાંકને હોસ્પિટલોમાં દાખલ કરવા પડી રહ્યાં છે. અન્ય દર્દીઓની જેમ ઊંચા તાવને કારણે શિશુઓ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હોય છે.

બે વર્ષથી ઓછી વયનાં નાનાં બાળકોમાં ગંભીરતા ડેલ્ટા વેરિયન્ટને સમાન છે. ઓમિક્રોન વેરિયન્ટને લઈને તેમણે કહ્યું હતું કે આ વખતે વાઇરસ મુખ્ય રૂપે એ દર્દીની અપર રેસ્પિરેટરી ટ્રેક્ટને અસર કરે છે. એટલે સંક્રમણમાં શરદી, શિરદર્દ અને નાક વહેવા જેવાં લક્ષણો દેખાય છે. કંપારીની તાવ આવે છે.

બીજી લહેરથી વિપરીત ઓમિક્રોન દર્દીઓમાં સ્વાદ અને ગંધને ગુમાવવી એ સામાન્ય વાત નથી. દર 10 દર્દીમાંથી બે-ત્રણ દર્દીઓએ ગંધ અને સ્વાદની ફરિયાદ કરી રહ્યાં છે, એમ તેમણે કહ્યું હતું. જોકે રસીકરણ અને સ્વસ્થ લોકોમાં ઓમિક્રોનનાં લક્ષણ અન્ય લોકોની તુલનામાં ઓછાં ગંભીર છે, એમ તેમણે કહ્યું હતું.