કોલકાતા – ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહે આજે સાંજે આ શહેરમાં રોડ શો કર્યો હતો, પરંતુ એનો હિંસક વળાંક વળ્યો હતો. પથ્થરમારા, આગ ચાંપવાની અને મારામારીની ઘટનાઓ બની હતી.
કેન્દ્રીય ભાજપ અને પશ્ચિમ બંગાળ શાસક તૃણમુલ કોંગ્રેસનાં કાર્યકરો બાખડી પડ્યા હતા અને એમની હિંસાએ વરવું સ્વરૂપ ધારણ કર્યું હતું. પરિણામે પોલીસને લાઠીમાર કરવાની ફરજ પડી હતી.
કહેવાય છે કે રોડ શો દરમિયાન ટીએમસીના સમર્થકોએ અમિત શાહની ટ્રક પર લાઠીઓ ફેંકી હતી. એને કારણે બંને પાર્ટીનાં કાર્યકરો વચ્ચે મારામારી ફાટી નીકળી હતી.
વિદ્યાસાગર કોલેજ પાસે પરિસ્થિતિ તંગદિલીભરી હતી. ત્યાં ટીએમસી અને ભાજપની યુવા પાંખના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ હતી.
વિદ્યાસાગર કોલેજની બહાર એક મોટરબાઈકને આગ લગાડવામાં આવી હતી.
મામલો વધારે ન બગડે એ માટે પોલીસે લાઠીમાર કર્યો હતો.
દરમિયાન, અમિત શાહે જણાવ્યું છે કે પોતે સુરક્ષિત છે. ટીએમસી પાર્ટીના ગુંડાઓએ એમના રોડ શોને ખોરવી નાખવાની કોશિશ કરી હતી. ચૂંટણી રેલીમાં થયેલી હિંસામાં ટીએમસીના કાર્યકરો સંડોવાયેલા હતા. બંગાળમાં લોકશાહી ખતરામાં છે.