તિરુપતિઃ દેશના તિરુમાલા તિરુમાલા મંદિરની પાસે એટલી સંપત્તિ છે કે અનેક ગામોનો વિકાસ થઈ જાય. મંદિરે એક શ્વેત પત્ર જારી કર્યો છે. આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે મંદિરની પાસે રૂ. 5300 કરોડનું 10.3 લાખ ટન સોનું અને રૂ. 15,938 કરોડ રોકડ બેન્કોમાં જમા છે. આ મંદિરની પાસે કુલ સંપત્તિ રૂ. 2.26 લાખ કરોડ છે.
કોરોના રોગચાળા પછી મંદિરની સંપત્તિમાં નોંધપાત્ર વધારો થયો હતો. તિરુમાલા તિરુમતિ દેવસ્થાનમે (TTD) દ્વારા જારી કરવામાં આવેલા ડેટા મુજબ મંદિરની પાસે 7.4 ટન સોનું જમા હતું. છેલ્લાં ત્રણ વર્ષમાં 2.9 ટન સોનાનો વધારો થયો હતો.TTDના કાર્યકારી અધિકારી એવી ધર્મ રેડ્ડીએ આપેલી માહિતી મુજબ 2019માં બેંકોમાં રૂ. 13,025 કરોડનું મૂડીરોકાણ હતું, જે વધીને રૂ. 15,938 કરોડ થયું હતું. આમ ત્રણ વર્ષોમાં રૂ. 2900 કરોડનો વધારો થયો હતો.
અહેવાલ મુજબ TTDની સંપત્તિ દેશમાં 7123 એકરમાં ફેલાયેલી 960 સંપત્તિઓ પણ સામેલ છે. દક્ષિણ ભારતનાં બધાં મંદિરો ભવ્યતા અને સુંદરતા માટે મશહૂર છે, પણ તિરુપતિ બાલાજી મંદિર સૌથી લોકપ્રિય છે. તિરુપતિ બાલાજીનું મંદિર આંધ્ર પ્રદેશના ચિતુર જિલ્લામાં છે. આ મંદિરને સૌથી શ્રીમંત મંદિર માનવામાં આવે છે.
આ મંદિરમાં બાલાજીના દિવસમાં ત્રણ વાર દર્શન થાય છે. પહેલા દર્શનને વિશ્વરૂપ કહેવામાં આવે છે, જે સવારના સમયે થાય છે. બીજા દર્શન બપોરે અને ત્રીજા દર્શન રાતે થાય છે. ભગવાન બાલાજીની સંપૂર્ણ મૂર્તિનાં દર્શન માત્ર શુક્રવારે સવારે અભિષેક સમયે થાય છે.