અયોધ્યાઃ જાન્યુઆરી 22એ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પૂરો થઈ ગયો. સામાન્ય લોકો માટે રામલલ્લાનાં દર્શન માટે દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. રામભક્તો ભારે સંખ્યામાં નવા રામ મંદિરના દર્શન કરવા ધસારો કરી રહ્યા છે. જોકે રામ મંદિરમાં હજી કેટલાંય કામો બાકી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર તળિયું બનાવવાનું બાકી, શિખરનું કામ પણ બાકી છે, જે મૂર્તિઓ લાગી ચૂકી છે, એનું પણ ફિનિશિંગનું અને પોલિશિંગનું કામ કંઈક હદે બાકી છે. રામ પરિવારની સ્થાપના થવાની બાકી છે. રામ-સીતા વિરાજમાન થવાના બાકી છે, તેની સાથે ભરત લક્ષ્મણ, શત્રુઘ્ન ને હનુમાનજીની મૂર્તિ લગાવવાની બાકી છે.
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરિજી મહારાજે જણાવ્યું હતું કે રામ મંદિર પ્રાંગણમાં કુલ 11 મંદિર બનવાનાં છે, જેમાં પાંચ મુખ્ય દેવતાઓ (ગણપતિ, સૂર્ય, શિવ, વિષ્ણુ અને દેવી)નાં મંદિર સામેલ છે. રામ મંદિરના પ્રાંગણમાં છ મંદિર બનશે અને પ્રાંગણની બહાર સાત મંદિર બનશે. હનુમાનજીનું એક અલગ મંદિર બનશે. જ્યાં સીતા રસોઈ છે, ત્યાં અન્નપૂર્ણ માતાની સ્થઆપના થશે. ત્યાંથી સામાન્ય લોકોને મંદિરનો પ્રસાદ મળશે.તેમણે જણાવ્યું હતું કે આશરે રૂ. 1100 કરોડ ખર્ચ થઈ ચૂક્યા છે. અમારા અંદાજ અનુસાર રૂ. 1400 કરોડ મંદિર નિર્માણ પર ખર્ચ થશે. હજી મંદિર પાસે આશરે રૂ. 3000 કરોડ બચ્યા છે.