નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના ડિરેક્ટર સંજય મિશ્રાને સરકાર દ્વારા આપવામાં આવેલું ત્રીજી વાર એક્સટેન્શનને સુપ્રીમ કોર્ટે ગેરકાયદે ગણાવ્યું છે. કોર્ટે કહ્યું હતું કે વર્ષ 2021 NGO કોમન કોઝના મામલે જે ચુકાદો કોર્ટે આપ્યો હતો, એની આ મામલે અવહેલના કરવામાં આવી છે. કોર્ટે કહ્યું હતું કે સંજય મિશ્રા માત્ર 31 જુલાઈ સુધી ED ડિરેક્ટર તરીકે સેવાઓ આપી શકશે.
બીજી બાજુ, કેન્દ્ર સરકાર સંજય મિશ્રાને આપવામાં આવેલા એક્સટેન્શનને એમ કહીને યોગ્ય ગણાવી રહી છે કે તેમની જગ્યા લેવા માટે અત્યારે કોઈ અન્ય અધિકારીની શોધ ના કરી શકાય. સરકારનું કહેવું છે કે FATF જેવા મામલામાં હજી ઘણું કામ કરવાનું બાકી છે. મિશ્રા આ મુદ્દે ખુદ કામ કરી રહ્યા છે. સરકારનું એ પણ કહેવું છે કે સંજય મિશ્રાની જવાબદારી કોઈ અન્ય યોગ્ય અધિકારીને આપતાં પહેલાં થોડોક સમય લાગશે. સરકારે કોર્ટની દલીલ પર ધ્યાન કરતાં સંજય મિશ્રાને 31 જુલાઈ સુધી કામ કરવાની મંજૂરી આપી હતી.
સેન્ટ્રલ વિજિલન્સ કમિશન એક્ટ અને દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં ફેરફાર માટે સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી છે. એમાં સંશોધન દ્વારા કેન્દ્રની જોગવાઈ કરી છે કે ED અને CBI જેવી એજન્સીઓના ડિરેક્ટરોને પાંચ વર્ષ સુધી એક્સટેન્શન આપી શકાય છે. જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંજય કરોલની બેન્ચ એ અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં EDના ડિરેક્ટરને આપવામાં આવેલા એક્સટેન્શન પર વિરોધ નોંધાવ્યો હતો.