અમેરિકા ભારતને રૂ. 1,178 કરોડનાં મિસાઇલ્સ વેચશે

નવી દિલ્હીઃ ટ્રમ્પ વહીવટી તંત્રએ ભારતને 155 મિલિયન ડોલરના ટોર્પિડો મિસાઇલને ભારતને વેચવાની મંજૂરી આપી દીધી છે. અમેરિકી સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે ભારતને રૂપિયા 1,178 કરોડની હાર્પૂન તેમ જ ટોર્પિડો મિસાઇલ્સ વેચવાની અમેરિકાના વિદેશ મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. અમેરિકાના સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોને કહ્યું હતું કે ઇન્ડો-પેસિફિક સમુદ્ર ક્ષેત્રે ચીની લશ્કરના વધતા જતા પ્રભુત્વને લઈને તેમ જ તેને લઈને વધતા જોખમનો સામનો કરવા માટે ભારતે મિસાઇલનો સોદો જલદી પાર પાડવા દબાણ કર્યું હતું, તેથી યુએસના સ્ટેટ ડિપાર્ટમેન્ટે આ સોદાને ત્વરિત મંજૂરી આપી દીધી છે.

ભારત અમેરિકાનું મુખ્ય સંરક્ષણ ભાગીદાર

વર્ષ 2016માં અમેરિકાએ ભારતને તેનું ‘મુખ્ય રક્ષા ભાગીદાર’ ઘોષિત કર્યું હતું. અમેરિકા તરફથી કોઈ દેશને આ દરજ્જો આપવાનો અર્થ એ છે કે એ દેશ અમેરિકા પાસેથી અત્યાધુનિક તકનિકી લશ્કરી ઉપકરણો ખરીદી શકશે. અમેરિકા આ દરજ્જા હેઠળ ફક્ત તેના સહયોગી તેમ જ મિત્ર દેશોને જ હથિયાર વેચે છે.

આ સોદા અંતર્ગત અમેરિકા ભારતને જે મિસાઈલો વેચશે તેમાં હાર્પૂન તેમજ ટોર્પિડો મિસાઇલ્સનો સમાવેશ છે. જેની કિંમત 155 મિલિયન ડોલર એટલે કે 1,178 કરોડ રૂપિયા છે. આ મિસાઇલોની મદદથી ભારત તેની સામે રહેલા સમુદ્ર સીમાના ક્ષેત્રીય જોખમનો સારી રીતે સામનો કરી શકશે. તેમ જ પોતાનું સંરક્ષણ ક્ષેત્ર પણ મજબૂત બનાવી શકશે.

કોરોનાનું ઉદગમ સ્થાન ચીન

વિશ્વભરમાં ફેલાયેલી બીમારી કોરોનાનું ઉદગમ સ્થાન ચીન છે. આ સંકટ સામે ચીન પોતે પણ ઝઝૂમી રહ્યું છે. છતાં એ સીધું ચાલે તેવું તો નથી જ. છેલ્લા કેટલાય સમયથી ચીન પડોશી દેશોની જમીનની સરહદો સાથે સાથે હવે દરિયાઈ સીમાઓને લઈને પણ પડોશી દેશો સાથે ટક્કર લઇ રહ્યું છે.

દક્ષિણ ચીની સમુદ્ર પર હક જમાવતું ચીન

દક્ષિણી ચીની સમુદ્ર અને પૂર્વી ચીની સમુદ્ર પર એની મહદંશે ટક્કર જોવા મળે છે, તેમાં દક્ષિણી ચીની સમુદ્ર પર તો ચીન પોતાનો પૂરેપૂરો હક જમાવી રહ્યું છે, જ્યારે આ સમુદ્રી સીમા પર વિયેતનામ, મલેશિયા, ફિલિપાઇન્સ, બ્રુનેઈ અને તાઈવાન જેવા દેશોનું સાર્વભૌમત્વ છે. તે જ રીતે જાપાન સાથે પણ ક્ષેત્રીય સીમાને લઈને ચીનનો સંઘર્ષ ચાલી રહ્યો છે. દક્ષિણ અને પૂર્વ ચીની સમુદ્ર ખનિજ સંપત્તિથી સમૃદ્ધ છે. તેથી આર્થિક તેમ જ વૈશ્વિક વ્યાપારના વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી પણ આ ક્ષેત્ર બહુ જ મહત્વ ધરાવે છે. તેના પર પણ ચીન પોતાની તેજ નજર રાખી રહ્યું છે.

અહેવાલ પ્રમાણે 10 AGM-84L હાર્પૂન બ્લૉક II એર-લોન્ચ મિસાઇલ માટે ભારતે 92 મિલિયન ડોલર ચૂકવવા પડશે, જ્યારે 16 માર્ક 54 લાઇટવેઇટ ટોર્પિડો અને 3 માર્ક 54 એક્સરસાઈઝ ટોર્પિડોસ મિસાઇલ માટે ભારતે 63 મિલિયન ડોલરની ચુકવણી કરવી પડશે. અમેરિકાની ડિફેન્સ સિક્યોરિટી કોર્પોરેશન એજન્સીએ અમેરિકાની સંસદને આ સોદાની જાણકારી આપી હતી.

અમેરિકાના સંરક્ષણ મંત્રાલય- પેન્ટાગોનના જણાવ્યા પ્રમાણે હાર્પૂન મિસાઇલ દ્વારા હવાઈ માર્ગ પરથી સમુદ્રી સીમાઓનું ધ્યાન રાખી શકાય છે તેમ જ કોઈ શંકાશીલ જહાજ પર નિશાન તાકીને આક્રમણ પણ કરી શકાય છે. પેન્ટાગોને વધુમાં જણાવ્યું હતું કે આ સોદા હેઠળ અમેરિકા તેમ જ તેના સહયોગી અને મિત્ર દેશોના આપસી સહકાર વડે સંવેદનશીલ સમુદ્રી સીમા ક્ષેત્રો પર ધ્યાન રાખવું વધુ સરળ થઈ જશે.