નવી દિલ્હી – સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ અયોધ્યામાં રામ મંદિર અને બાબરી મસ્જિદ વિશેના જમીન માલિકીના કેસમાં સુનાવણીની શરૂઆત 26 ફેબ્રુઆરીએ કરશે.
પાંચ-જજની બંધારણીય બેન્ચ આ કેસમાં સુનાવણી શરૂ કરશે. આ બેન્ચની આગેવાની દેશના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ લેશે.
બેન્ચે આ કેસની સુનાવણી માટે 26 ફેબ્રુઆરી, સવારે 10.30 વાગ્યાનો સમય નક્કી કર્યો છે.
આ બેન્ચ પર ચીફ જસ્ટિસ ગોગોઈ ઉપરાંત અન્ય ચાર જજ છેઃ ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચુડ, ન્યાયમૂર્તિ અશોક ભૂષણ, ન્યાયમૂર્તિ એસ. અબ્દુલ નઝીર અને ન્યાયમૂર્તિ એસ.એ. બોબડે.
ન્યાયમૂર્તિ બોબડેની સેવા ઉપલબ્ધ ન હોવાને કારણે બેન્ચે એની સુનાવણી ગઈ 27 ફેબ્રુઆરીએ મુલતવી રાખી હતી.
આ બંધારણીય બેન્ચ એ અપીલો પર દલીલો સાંભળશે જે 2010ની સાલમાં અલાહાબાદ હાઈકોર્ટે આપેલા ચુકાદાની વિરુદ્ધમાં નોંધાવવામાં આવી છે. અલાહાબાદ હાઈકોર્ટે ચાર સિવિલ કેસમાં એવો ફેંસલો આપ્યો હતો કે અયોધ્યામાં 2.7 એકરની જમીન ત્રણ પક્ષકારોને સરખે ભાગે વહેંચી દેવી. આ ત્રણ પક્ષકાર એટલે સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામ લલ્લા.
અયોધ્યા મામલો 2010ની સાલથી સુપ્રીમ કોર્ટમાં ફેંસલાની રાહ જોઈ રહ્યો છે. ગયા વર્ષે એ વખતના ચીફ જસ્ટિસ દિપક મિશ્રાની આગેવાની હેઠળની બેન્ચે એવો નિર્દેશ કર્યો હતો કે આ કેસાં રોજેરોજની રીતે સુનાવણી કરવી જોઈએ.