કેરળમાં શેરીના કૂતરાઓને મારવાની સુપ્રીમ કોર્ટ પાસે મંજૂરી મગાઈ

તિરુવનંતપુરમઃ કેરળમાં લોકો પર શેરીઓના રખડતા કૂતરાઓના સતત હુમલાના થઈ રહ્યા છે, જેથી સરકારે હિંસક પ્રવૃત્તિ અને ઘાતક વાઇરલ સંક્રમણ રેબીઝની ચપેટમાં આવેલા કૂતરાઓને મારવા માટે સુપ્રીમ કોર્ટ પાસે મંજૂરી માગી છે. રાજ્ય રઝળતા કૂતરાઓને ત્રાસને જોતાં સરકારે મોટે પાયે કૂતરાના રસીકરણની ઝુંબેશ ચલાવવાનો નિર્ણય લીધો છે, જેમાં સરકાર દ્વારા રસીકરણ 20 સપ્ટેમ્બરથી 20 ઓક્ટોબર, 2022 સુધી જારી રહેશે, એમ સ્થાનિક વહીવટી તંત્રના અધિકારી એમ. બી. રાજેશે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે કેરળમાં વેટરનરી યુનિવર્સિટીના સહયોગથી કૂતરાનો રસીકરણનો કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવશે. સરકાર કૂતરાઓના રસીકરણ માટે ખાસ વાહન ભાડે લેવા માટે બ્લોક પંચાયતો, નગર નિગમો અને પંચાયતોને ફંડ ફાળવશે. જોકે આ કૂતરાઓને ભોજન આપીને દવાના ડોઝ આપવાની યોજના છે, એમ તેમણે કહ્યું હતું. એ સાથે હોટેલ, રેસ્ટોરાંના એસોસિયેશન, મીટ વેચનારાઓ સાથે બેઠક યોજીને કચરાના યોગ્ય નિકાલ માટે વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે એનિમલ વેલફેર બોર્ડે કેરળ હાઇ કોર્ટમાં વર્ષ 2006ના એક ચુકાદાને પડકાર આપતાં વર્ષ 2015માં સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. આ ચુકાદાને સ્થાનિક વહીવટી તંત્રને રખડતા કૂતરા મારવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.

આ અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રખડતા કૂતરાના જોખમને દૂર કરવા માટે યોગ્ય ઉપાય શોધવાની જરૂર છે, પણ એમાં પ્રાણીના અધિકારોને પણ ધ્યાનમાં રાખવા જરૂરી છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ જેકે મહેશ્વરીની ખંડપીઠે સૂચન કર્યું હુતં કે શેરીના કૂતરાઓને જે લોકો ખાવાનું આપે છે, તેઓ એ કૂતરાઓને રસી આપવાની જવાબદારી આપવી જોઈએ અને જો કોઈ કૂતરો હુમલો કરે છે તો એ કૂતરાને ટ્રેક કરવા માટે એનામાં ચિપ્સ બેસાડવી જોઈએ.