સુપ્રીમ કોર્ટે બુલડોઝર એક્શન પર દેશમાં પ્રતિબંધ લગાવ્યો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે દેશમાં બુલડોઝર એક્શન પર સ્ટે મૂક્યો છે. ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં બુલડોઝરની કાર્યવાહીની વિરુદ્ધ જમિયત ઉલેમા એ હિંદની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણીમાં આ આદેશ આપવામાં આવ્યો હતો. કોર્ટે આદેશ આપ્યો હતો કે આગામી પહેલી ઓક્ટોબરની સુનાવણી સુધી કોર્ટની મંજૂરી વિના દેશમાં ક્યાંય પણ સંપત્તિને તોડી નહીં શકાય. જોકે કોર્ટે એ સ્પષ્ટ કર્યું હતું કે આ આદેશ જાહેર રસ્તાઓ, ફૂટપાથો વગેરે પર કોઈ પણ ગેરકાયદે બાંધકામ પર લાગુ નહીં થાય.

કોર્ટમાં SG તુષાર મહેતાએ કહ્યું હતું કે ડિમોલિશનની કાર્યવાહી જ્યાં થઈ છે, ત્યાં કાનૂની પ્રક્રિયાનું પાલન કરીને થઈ છે. એક સમુદાયને વિશેષ ટાર્ગેટ કરવાનો આરોપ ખોટો છે. ખોટો નેરેટિવ ફેલાવવામાં આવી રહ્યો છે. એના પર જસ્ટિસ વિશ્વનાથને કહ્યું હતું કે કોર્ટની બહાર જે વાતો થઈ રહી છે, એ અમને પ્રભાવિત નથી કરતી. અમે એ દલીલમાં નથી ઊતરતા કે કોઈ ખાસ સમુદાયને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે કે નહીં. જો ગેરકાનૂની મુદ્દો છે તો એ બંધારણની ભાવનાની વિરુદ્ધ છે.

જસ્ટિસ ગવઈએ કહ્યું હતું કે નેરેટિવથી અમે પ્રભાવિત નથી થઈ રહ્યા. અમે એ સ્પષ્ટ કરી ચૂક્યા છીએ કે ગેરકાયદે બાંધકામને સુરક્ષા આપવાના પક્ષમાં કોર્ટ નથી.