નવી દિલ્હીઃ દેશમાં ફરી એક વાર કોરોના વાઇરસના રેકોર્ડ કેસો નોંધાવા લાગ્યા છે. વૈજ્ઞાનિકોનું કહેવું હતું કે કોરોનાની ત્રીજી લહેર આ મહિનાના અંતમાં અને ફેબ્રુઆરીના પ્રારંભમાં સુનામીમાં ફેરવાય એવી શક્યતા છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ દ્વારા એક નવા મોડલિંગ અધ્યયનની ભવિષ્યવાણી કરવામાં આવી છે કે જાન્યુઆરીના અંત સુધીમાં દૈનિક ધોરણે 10 લાખથી વધુ કોરોનાના કેસો આવવાની શક્યતા છે.
દેશમાં કોરોના વાઇરસની ત્રીજી લહેર જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં પીક પહોંચે એવી શક્યતા છે, જેની અસર દેશમાં ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં જોવા મળશે. જોકે વિવિધ રાજ્યોમાં ગાઇડલાઇન્સની વિવિધ સ્થિતિઓ થઈ શકે. વિવિધ રાજ્યો માટે ત્રીજી લહેરની પીક જાન્યુઆરીના મધ્યથી ફેબ્રુઆરીના મધ્ય ભાગ સુધી અલગ-અલગ રહેશે, એમ અધ્યયન કહે છે. જોકે માર્ચના પ્રારંભ સુધી કોવિડ-19 ધીમો પડે અથવા સ્થિર થવાની શક્યતા છે.
ભવિષ્યવાણી એ વાતને ધ્યાનમાં લઈને કરવામાં આવી છે કે પાછલા વેરિયેન્ટ અને રસીકરણથી વસતિનો એક હિસ્સો નવા વેરિયેન્ટને લઈને અતિ સંવેદનશીલ છે. મોડલે માન્યું હતું કે 30 ટકા વસતિ, 60 ટકા કે 100 વસતિ અતિસંવેદનશીલ છે. વાઇરસ પ્રતિ સંવેદનશીલ લોકો ટકાવારીને આધારે દેશમાં દૈનિક કેસો આશરે ત્રણ લાખ, છ લાખ અથવા 10 લાખ હોવાની શક્યતા છે.
દેશમાં ત્રીજી લહેરનો પ્રારંભ થઈ ચૂક્યો છે. છેલ્લા 10 દિવસોમાં કોરોનાના દૈનિક ધોરણે કેસો 18 ગણા વધ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં સરેરાશ દૈનિક કેસોમાં 485 ટકાનો વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,17,100 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસોમાં 28.8 ટકાનો વધારો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 302 લોકોનાં મોત થયાં છે.