કોરોનાના કેસોની સંખ્યા 84 લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં નિરંતર વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 84 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 47,638 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 670 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 84,11,724 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,24,985  લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 77,65,966 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 5,20,773એ પહોંચી છે. પાછલા 24 કલાકમાં 54,157 દર્દીઓ ઠીક થયા છે. રિકવરી રેટ વધીને 92.32 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.48 ટકા થયો છે.

કોવાક્સિન સુરક્ષિત અને અસરકારક

કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ વૈજ્ઞાનિકે ગુરુવારે જણાવ્યું હતું કે સરકાર સર્મિથત કોરોનાની રસી વહેલામાં વહેલી ફેબ્રુઆરી મહિના સુધીમાં લોન્ચ કરી શકાશે. ભારતીય કંપની ભારત બાયોટેક અને સરકાર સંચાલિત ICMR દ્વારા વિકસિત કરાયેલી કોરોનાની રસી કોવાક્સિનની છેલ્લા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ આ મહિનાથી શરૂ થઇ રહી છે અને અત્યાર સુધીનાં પરિણામો દર્શાવે છે કે કોવાક્સિન સુરક્ષિત અને અસરકારક છે.

ICMRના વરિષ્ઠ વૈજ્ઞાનિક રજનીકાંતે જણાવ્યું હતું કે ત્રીજા તબક્કાની ટ્રાયલ પૂરી થાય એ પહેલાં લોકોને કોરોનાની રસી આપવી કે કેમ એ અંગેનો નિર્ણય આરોગ્ય મંત્રાલયે કરવાનો છે. પ્રાણીઓ પરના પ્રયોગો અને પહેલા તથા બીજા તબક્કાની હ્યુમન ટ્રાયલમાં પરિણામ સુરક્ષિત અને અસરકારક રહ્યાં છે. તેથી આ રસી સુરક્ષિત તો છે, પરંતુ ત્રીજા તબક્કાની ટ્રાયલ પૂરી ન થાય ત્યાં સુધી તમે છાતી ઠોકીને દાવો કરી શકો નહીં.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.