અગ્નિપથ યોજના હેઠળ ત્રણ-દિવસમાં IAFને 56,950 અરજી મળી

નવી દિલ્હીઃ ઇન્ડિયન એર ફોર્સને અગ્નિપથ રિક્રૂટમેન્ટ યોજના હેઠળ રવિવાર સુધીમાં 50,000થી વધુ અરજીઓ મળી હતી. આ યોજનાના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કર્યાના માત્ર ત્રણ દિવસમાં સરકારને 56,950 કરતાં વધુ અરજીઓ મળી હતી. સરકારે અગ્નિવેશ યોજના બહાર પાડી પછી વિવિધ રાજ્યોમાં આ યોજનાનો વ્યાપક હિંસાત્મક વિરોધ થયો હતો. અરજીઓની સંખ્યા પરથી અંદાજ લગાવી શકાય છે કે અગ્નિપથ યોજનામાં ભરતી થવા માટે યુવાનોમાં કેટલો ઉત્સાહ છે.  

અગ્નિપથ યોજના સામે કેટલાક દિવસો પહેલાં ઠેકઠેકાણે વિરોધ પ્રદર્શનો થયાં હતાં. કેટલીય જગ્યાએ હિંસક પ્રદર્શન થયાં હતાં. ટ્રેનો, ગાડીઓ અને બસોને આગ ચાંપવામાં આવી હતી, પણ સેના તરફથી મક્કમપણે  સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ ભરતી યોજનાને પરત નહીં લેવામાં આવે.

અગ્નિપથ યોજના હેઠળ અરજી કરવાની છેલ્લી તારીખ પાંચ જુલાઈ છે, એમ IAFએ જણાવ્યું હતું. સરકારેએ આર્મીમાં યુવાનોની ભરતી કરવા માટે આ યોજનાને 14 જૂને બહાર પાડી હતી, જેમાં યુવાનો માટે વય મર્યાદા સાડાસત્તર વર્ષ અને 21 વર્ષ રાખી હતી. જોકે આ યોજનામાં નોકરીનો સમયગાળો ચાર વર્ષ રાખવામાં આવતાં આ યોજનાનો વ્યાપક વિરોધ કરવામાં આવ્યો હતો. જેથી સરકારે વર્ષ 2022 માટે યોજના હેઠળ ભરતી માટે મહત્તમ વયમર્યાદા 21થી વધારીને 23 વર્ષ કરી દીધી હતી.

અગ્નિપથ યોજનાના વિરોધ-પ્રદર્શન દરમ્યાન કેટલાંય રાજ્યોમાં દેખાવકારોએ ટ્રેનોમાં આગ લગાવી દીધી હતી. સૌથી વધુ ઉગ્ર પ્રદર્શન બિહાર અને ઉત્તર પ્રદેશમાં જોવા મળ્યું હતું.