સરકારે વસૂલ્યાં બેન્કોનાં રૂ. 10 લાખ કરોડનાં ડૂબેલાં દેવાં: FM

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે વિવિધ આર્થિક સુધારા અને સારા ગવર્નન્સ દ્વારા બેન્કિંગ સેક્ટરનો કાયાપલટ કર્યો છે. જેથી બેન્કોએ 2014થી 2023ની વચ્ચે રૂ. 10 લાખ કરોડથી વધુનાં ડૂબેલાં દેવાં એટલે કે બેડ લોન્સની વસૂલી કરી છે, એમ નાણાપ્રધાન નિર્મલા સીતારામને કહ્યું છે. તેમણે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ X પર કેટલીક પોસ્ટ દ્વારા એ વાત કહી છે.

નાણાપ્રધાને કહ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આશરે 1105 બેન્ક છેતરપિંડી કેસોની તપાસ કરી છે. જેના પરિણામસ્વરૂપ રૂ. 64,920 કરોડ ગેરકાયદે આવક જપ્ત કરી છે. ડિસેમ્બર 2023 સુધી જાહેર ક્ષેત્રની બેન્કોએ રૂ. 15,183 કરોડની સંપત્તિ પરત કરી દીધી છે.દેશમાં બેન્કિંગ ક્ષેત્રએ રૂ. 3 લાખ કરોડના આંકડાને પાર કરતા સૌથી વધુ ચોખ્ખો નફો કર્યો હતો. સરકારે વ્યાપક સુધારાઓ થકી બેન્કિંગ ક્ષેત્રમાં UPA સરકારનાં પાપોનું પ્રાયશ્ચિત કર્યું હતું. મોદી સરકારે ડૂબેલાં દેવાં ખાસ કરીને મોટા ફિફોલ્ટરથી વસૂલાતમાં કોઈ ઢીલ મૂકી નહોતી અને એ પ્રક્રિયા જારી છે, એમ તેમણે કહ્યું હતું.

આ દુઃખની વાત છે કે વિરોધ પક્ષોના નેતા હજી પણ રાઇટ ઓફ અને માફી વચ્ચેનું અંતર સમજી નતી શકતા. RBIના દિશા-નિર્દેશો અનુસાર રાઇટ ઓફ પછી બેન્ક સક્રિય રીતે ડૂબેલાં દેવાંની વસૂલી કરે છે. કોઈ પણ ઉદ્યોગપતિની લોન માફ નથી કરવામાં આવતી. 2014થી 2023ની વચ્ચે બેન્કોએ બેડ લોન્સથી રૂ. 10 લાખ કરોડથી વધુની વસૂલાત કરી છે. તેમણે કોંગ્રેસના નેતૃત્વવાળી UPA સરકારની ટીકા કરતાં કહ્યું હતું કે NPAનું સંકટનાં બીજ UPA સરકારના કાર્યકાળમાં વાવવામાં આવ્યાં હતાં. મોદી સરકાર અમારી બેન્કિંગ પ્રણાલીને મજબૂત  અને સ્થિર કરવા નિર્ણાયક પગલાં ભરતી રહેશે.