એડવાન્સ ભાડાં સહિત મકાનમાલિક-ભાડૂઆતોના ઘર્ષણ ઘટાડવાનો હેતુ,ડ્રાફ્ટમાં…

નવી દિલ્હીઃ મકાન માલિકો અને ભાડૂઆતો વચ્ચે થતાં વિવાદોને ઓછા કરવા માટે કેન્દ્ર સરકારે મોડલ રેન્ટલ લૉ નો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. સરકાર નિયમોમાં ફેરફાર કરીને ભાડાંના ઘરોની ઉપલબ્ધતા પણ વધારવા માગે છે. આ ડ્રાફ્ટમાં મકાનમાલિક અને ભાડૂઆત બંનેના હિતોનો ખ્યાલ રાખવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. નાણાકીય વર્ષ 2019-20નુ બજેટ રજૂ કરતાં નાણાંપ્રધાન નિર્મલા સીતારમને કહ્યું હતું કે સરકાર રેન્ટલ હાઉસિંગ માટે આદર્શ કાયદો બનાવશે, આ જ વાયદા પર અમલ કરતા મોડલ ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

ડ્રાફ્ટ અનુસાર કોઈપણ મકાન માલિક બે મહિનાથી વધારે ભાડું એડવાન્સ રુપે નહીં લઈ શકે. ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ ભાડૂઆત નક્કી સમય કરતા વધારે સમય સુધી મકાનમાં રહે છે તો, તેણે પહેલાં બે મહિના માટે બે ગણું વધારે ભાડુ આપવું પડશે. જો તે બે મહિના કરતા વધારે સમય સુધી રહે તો તેણે ચાર ગણું ભાડુ આપવું પડશે. આવાસ અને શહેરી વિકાસ મામલાઓના પ્રધાને આ ડ્રાફ્ટને સંબંધિત પક્ષો માટે સૂચનો માટે મોકલ્યું છે. જે મળતા જ કાયદાને કેબિનેટની મંજૂરી માટે મોકલવામાં આવશે.

ડ્રાફ્ટમાં ભાડુઆતોના હિતોને ધ્યાનમાં રાખતાં કહેવામાં આવ્યું છે કે મકાન માલિક એગ્રીમેન્ટના સમયગાળાની વચ્ચે ભાડું નહીં વધારી શકે. મકાન માલિકોએ ભાડામાં ફેરફાર કરવા માટે ત્રણ મહિના પહેલાં નોટિસ આપવાની રહેશે. ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે મકાન માલિકને ભાડાના એગ્રીમેન્ટનો સમયગાળો સમાપ્ત થવાના સમય પહેલાં પોતાના પૈસા કાપ્યા બાદ સિક્યોરિટી મની પાછા આપવા પડશે. સાથે જ કોઈ વિવાદ થવા પર મકાન માલિક ભાડૂઆતની વીજળી અને પાણી જેવી જરુરી સુવિધાઓ બંધ નહીં કરી શકે.

નાણાંપ્રધાન નિર્મલા સીતારમને બજેટ રજૂ કરતાં સમયે રાજ્યો માટે એક આદર્શ ભાડા કાયદો લાવવાની વાત કરી હતી. કેન્દ્ર સરકારના એક સર્વે અનુસાર શહેરોમાં અત્યારે 1.1 કરોડથી વધારે મકાન/ફ્લેટ માત્ર એટલા માટે ખાલી પડ્યાં છે કારણ કે મકાન માલિક ભાડૂઆતથી થનારા વિવાદથી બચવા ઈચ્છે છે. મંત્રાલયના એક અધિકારી અનુસાર મકાન માલિકોના ડરને ખતમ કરવા અને તેમને પોતાની સંપત્તિને ભાડા પર આપવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી આ આદર્શ કાયદો તૈયાર કરવામાં આવ્યો છે.

મોડલ રેન્ટલ કાયદામાં મકાન માલિક અને ભાડૂઆત બંનેના હિતોનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. ડ્રાફ્ટમાં એક અલગ રેન્ટ ઓથોરિટી બનાવવાની વાત કહેવામાં આવી છે. સાથે જ રાજ્યોને વિવાદોને જલદી પતાવવા માટે સ્પેશિયલ રેન્ટ કોર્ટ અને રેન્ટ ટ્રિબ્યૂનલ સ્થાપિત કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.