અમેરિકામાં સૌપ્રથમ ગાંધી મ્યુઝિયમ લોકો માટે શરૂ કરાયું

ન્યુ જર્સીઃ અમેરિકામાં એટલાન્ટિક શહેરમાં મહાત્મા ગાંધીના જીવન અને સંદેશને સમર્પિત પહેલું મ્યુઝિયમ શરૂ કરવામાં આવ્યું હતું. એ રાષ્ટ્રપિતાને સમર્પિત અમેરિકામાં પહેલું મ્યુઝિયમ છે. જોકે આ મ્યુઝિયમના ઉદઘાટન પહેલાં ગાંધીવાદીઓ દ્વારા મહાત્મા ગાંધીની જન્મજયંતી ઊજવવામાં આવી હતી. આ મ્યુઝિયમનું ઉદઘાટન ગયા સપ્તાહે કરવામાં આવ્યું હતું. આ મ્યુઝિયમમાં કલાકૃતિઓની સાથે-સાથે ડિજિટલ ડિસ્પ્લે સ્ક્રીન છે, જેમાં મુલાકાતીઓ ગાંધીજીના જીવનની ઘટનાઓ નિહાળી અને સાંભળી શકશે. આ મ્યુઝિયમના પ્રોજેક્ટમાં આદિત્ય બિરલા ગ્રુપની ભાગીદારી છે.

આ મ્યુઝિયમના પ્રોજેક્ટને ‘શાશ્વત ગાંધી’ ઇવેન્ટ કહેવામાં આવે છે. આ મ્યુઝિયમમાં બિરલાની સાથે માર્ટિન લ્યુથર કિંગ ફાઉન્ડેશનની ભાગીદારીની શક્યતા છે. આ મ્યુઝિયમમાં બે મહાન હસ્તીઓનાં જીવન અને તેમના સંદેશને પ્રદર્શિત કરવામાં આવશે.

આ મ્યુઝિયમના ઉદઘાટન સમારંભમાં ભારતીય મૂળના અમેરિકી સમાજના લોકો અને ન્યુ યોર્કમાં ભારતના કાઉન્સિલ જનરલ રણબીર જયસ્વાલ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનો પ્રારંભ અમેરિકા અને ભારતના રાષ્ટ્રગીત થયો હતો અને ભારતીય કાઉન્સિલ જનરલના ભાષણ સાથે થયો હતો. તેમણે કહ્યું હતું કે આ મ્યુઝિયમ થકી અમેરિકામાં મહાત્મા ગાંધીના વિચારો પ્રસારવવા માટેની પહેલ સારી છે. તેમણે ગાંધીવાદી સોસાયટી અને સ્થાપક ભદ્રા બુટાલાના પ્રયાસોની પ્રશંયા કરી હતી. તેમણે આ મ્યુઝિમયને અમેરિકામાં ખોલવા માટે આદિત્ય બિરલા ગ્રુપની પણ પ્રશંસા કરી હતી.

આ ઉપરાંત આ કાર્યક્રમમાં એટલાન્ટિક સિટીમાંથી ચૂંટાયેલા અધિકારીઓ, ભૂતપૂર્વ મેયર ડોનાલ્ડ ગાર્ડિયન, એટલાન્ટિક સિટી કાઉન્સિલના વાઇસ પ્રેસિડેન્ટ કલીમ શાબાઝ, પોલીસ શેરિફ એરિક શેફલર અને અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટીની સાથે અનેક લોકો આ સમારંભમાં હાજર રહ્યા હતા. આ ઉપરાંત ત્રણ રાજ્યના સમાજના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.