દેશભરમાં NRC લાગુ કરવાની હિલચાલ શરૂ

નવી દિલ્હીઃ બે વર્ષ પહેલાં સંસદમાં જેને મંજૂરી આપવામાં આવી હતી તે સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ (CAA) કાયદાના મામલે દેશભરમાં વિરોધનો વંટોળ ઊભો થયો હતો. તે ઉપરાંત તે વખતે દેશમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (એનઆરસી) પણ લાગુ કરવાની કેન્દ્ર સરકારની તૈયારી હતી, પરંતુ કોરોનાવાઈરસ મહામારી ફેલાતાં એ કામકાજ પાછું ઠેલાઈ ગયું. હવે આસામ બાદ આખા દેશમાં એનઆરસી લાગુ કરવા માટેની હિલચાલ શરૂ કરવામાં આવી હોવાનું મનાય છે. સંસદના હવે પછીના સત્રમાં આ અંગે કોઈક વિધેયક રજૂ કરવામાં આવે એવી ધારણા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશના નાગરિકોનો ડેટાબેઝ તૈયાર કરવાની જવાબદારી દેશના રજિસ્ટ્રાર જનરલને આપી છે. દેશમાં સંતાયેલા ઘૂસણખોરોને ઓળખી કાઢવા માટે ગૃહ મંત્રાલયે એનઆરસી લાગુ કરવાનો આદેશ આપ્યો છે. આ ડેટાબેઝમાં દેશના પ્રત્યેક નાગરિકના જન્મની નોંધણી, મતદાર યાદી, આધાર કાર્ડ, રેશન કાર્ડ, પાસપોર્ટ અને ડ્રાઈવિંગ લાઈસન્સ વગેરેની માહિતી એકત્ર કરવામાં આવશે અથવા અપડેટ કરવામાં આવશે. નાગરિકોના જન્મ અને મૃત્યુની નોંધ રાખવાનો અધિકાર રાજ્ય સરકારો પાસેથી હોવાથી આ મુદ્દે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંઘર્ષ થવાની સંભાવના છે.

શું છે એનઆરસી કાયદો?

એનઆરસીમાં સૂચન કરાયું છે કે, ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા કે કોઈ સત્તાવાર દસ્તાવેજ વગર રહેતા વસાહતીઓ કે ઘૂસણખોરોને દેશની બહાર કાઢી મૂકવા. ઉલ્લેખનીય છે કે ગૃહ પ્રધાન અમિત શાહ એનઆરસીને દેશભરમાં લાગુ કરાવવા માટે કાયમ આગ્રહી રહ્યા છે.