નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય મંત્રી કેજરીવાલ જેલમાં ગયા છે, એ પછી આમ આદમી પાર્ટીની મુસીબતો ઓછું થવાની નામ નથી લેતી. હવે આમ આદમી પાર્ટીને દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગવાનો ડર સતાવી રહ્યો છે. દિલ્હીના ઉપ રાજ્યપાલ વિનયકુમાર સકસેનાએ ગૃહ મંત્રાલયને એક પત્ર લખ્યો છે, જે પછી રાષ્ટ્રપતિ શાસનનો લાગવાની અટકળો તેજ થઈ ગઈ છે.
દિલ્હીના ઉપ રાજ્યપાલ વીકે સકસેનાએ ગૃહ મંત્રાલયને પત્ર લખીને દિલ્હીની હાલની સ્થિતિની માહિતી આપી હતી. તેમણે પત્રમાં દિલ્હી સરકારના મંત્રીઓ પર આરોપ લગાવ્યો છે કે તેઓ બેઠકમાં ભાગ લેવાનો ઇનકાર કરી રહ્યા છે. ઉપ રાજ્યપાલે જળ, શિક્ષણ, આરોગ્ય, પરિવહન અને વન વિભાગથી સંબંધિત દિલ્હી સરકારના મંત્રીઓની બેઠક બોલાવવાનો નિર્ણય કર્યો હતો, પણ મંત્રીઓએ ચૂંટણી આચારસંહિતાનો હવાલો આપતાં બેઠકમાં સામેલ થવાનો ઇનકાર કર્યો હતો.
તેમણે પત્રમાં લખ્યું હતું કે તેઓ એટલા માટે બેઠક બોલાવી રહ્યા છે, કેમ કે કેજરીવાલની ધરપકડને કારણે શાસનનાં નિયમિત કાર્યોમાં કોઈ અડચણ ના આવે. જ્યારે LGના પત્ર પર દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે LGએ બંધારણ સમજવું જોઈએ. તો પાણી, આરોગ્ય, પર્યાવરણનો ઉલ્લેખ કરી રહ્યા છે, જે ચૂંટાયેલી સરકારનો વિષય છે. તેમણે કહ્યું હતું કે LGને મંત્રીઓની બેઠક બોલાવવાનો અધિકાર નથી.બીજી બાજુ, આપના વિધાનસભ્ય મદનલાલે દાવો કર્યો હતો કે ભાજપ કેજરીવાલની ધરપકડ પછી તેમને રાજીનામું આપવા મજબૂર કરી રહ્યો છે. દિલ્હીમાં ભાજપ રાષ્ટ્રપતિ શાસન લગાવવા ઇચ્છે છે. આપ પાર્ટીને ડરાવવામાં આવી રહી છે, એમ તેમણે કહ્યું હતું.
