નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ માગોને લઈને દેખાવો કરી રહેલા સંયુક્ત કિસાન મોરચાના નેતાઓમાં ફૂટ પડી છે. 10 સંગઠનો દ્વારા આ આંદોલનને સંચાલિત કરવામાં આવી રહ્યું છે, પણ એના મુખ્ય ઘટક ભારતીય કિસાન યુનિયન (ટિકેત) અને અન્ય કેટલાંક સંગઠનો આ ધરણાંથી અલગ થયાં છે.
ભારત કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકેતે જણાવ્યું હતું કે ગુરુવારે ખેડૂતો અને તેમની સમસ્યાઓને જોતાં ઉત્તર પ્રદેશ સરકારે પાંચ સભ્યોની એક ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવી છે. તેમણે કહ્યું હતું કે કિસાન સંગઠનના લોકો આ સમિતિની સાથે ધરણાં સ્થળ પર જ વાતચીત કરે અને તેમની માગો તેમની સામે મૂકે. ધરણાં-દેખાવો સિવાય સરકારના અધિકારીઓ સાથે વાતચીત કરીને ખેડૂતોની સમસ્યાનો ઉકેલ કાઢી શકાય છે. તેમણે કહ્યું હતું કે દિલ્હી કૂચ કરીને સમસ્યાનો હલ નહીં થાય, કેમ કે કૂચ માટે રાષ્ટ્રીય સ્તરે ખેડૂતોનાં બધાં સંગઠનોનું એક થવું જરૂરી છે, ત્યારે તેઓ સફળ થશે.
કિસાન નેતા સમિતિના લોકોથી વાત કરે, પણ કેટલાક નેતાઓ આ વાત માટે તૈયાર નહોતા. એને કારણે ભારતીય કિસાન યુનિયન આ પ્રદર્શનથી અલગ થયું છે. તેમનું કહેવું છે કે અન્ય કોઈ સંગઠન પોતાના હિસાબે જે પણ કરી શકે છે, એ કરે. કિસાન સંગઠનનાં સૂત્રો અનુસાર આ સિવાય કેટલાંક અન્ય સંગઠનોએ પણ આ પ્રદર્શનથી પોતાને અલગ કરી લીધાં છે. તેમનો મત એ છે કે સમિતિની સામે પોતાનો પક્ષ રાખીને ખેડૂતોની મૂળ સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવે.