દેશમાં પણ 2024 સુધીમાં અમેરિકા જેવા રસ્તા હશેઃ ગડકરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ પ્રધાન નીતિન ગડકરીએ રાજ્યસભામાં ઝીરો અવર દરમ્યાન કહ્યું હતું કે વર્ષ 2024 સુધીમાં દેશમાં રસ્તાઓ અમેરિકા જેવા થઈ જશે. તેમણે કહ્યું હતું કે વર્ષ 2024 સુધીમાં પહેલાં 26 ગ્રીન એક્સપ્રેસ હાઇવે બનાવવામાં આવશે, જેનાથી મુખ્ય શહેરો વચ્ચેના પ્રવાસના સમયમાં ઘટાડો થશે.

રાજ્યસભામાં સેશન દરમ્યાન સવાલનો જવાબ આપતાં તેમણે દાવો કર્યો હતો કે નેશનલ હાઇવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)નું રેટિંગ AAA  છે અને કંપનીની નાણાકીય સ્થિતિ ઘણી સારી છે અને ફંડની કોઈ અછત નથી. વળી, NHAI દર વર્ષે પાંચ લાખ કિલોમીટરના રસ્તાઓ બનાવે છે, એમ તેમણે કહ્યું હતું.https://twitter.com/OfficeOfNG/status/1554740101967912960

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2024 સુધીમાં દેશના રોડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર  યુનાઇટેડ સ્ટેટસ જેવું બની જશે. તેમણે દાવો કર્યો હતો કે મંત્રાલય દેશના રસ્તાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સંપૂર્ણ બદલાવ કરી રહી છે.

તેમણે જણાવ્યું હતું કે એક વાર હાઇવે બની ગયા પછી દિલ્હીથી દહેરાદૂન, દિલ્હીથી હરિદ્વાર, દિલ્હીથી જયપુર સુધીનો પ્રવાસ બે કલાકમાં થઈ શકશે.આ સિવાય દિલ્હીથી ચંડીગઢ 2.30 કલાકમાં, દિલ્હીથી અમૃતસર ચાર કલાકમાં અને દિલ્હીથી મુંબઈ 12 કલાકમાં જઈ શકાશે.

તેમણે જણાવ્યું હતું કે દિલ્હી મેરઠ એક્સપ્રેસવે લોકો માટે ગયા વર્ષે ખુલ્લો મુકાયો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પહેલાં મેરઠથી દિલ્હીથી આવવામાં ચાર-પાંચ કલાક લાગતા હતા, પણ હવે એક્સપ્રેસવે બની ગયા પછી લોકો 40 મિનિટમાં મેરઠથી દિલ્હી પહોંચી જાય છે.