નવી દિલ્હીઃ હિન્દુ ધર્મમાં કરવા ચોથનું વિશેષ મહત્વ છે. કરવા ચોથ એ પરિણીત મહિલાઓ માટે ખાસ તહેવાર છે. દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની ચોથની તિથિએ કરવા ચોથનું વ્રત કરવામાં આવે છે. કરવા ચોથે ભગવાન શિવ, માતા પાર્વતી, ગણેશ અને કાર્તિકેયજી સિવાય કરવા માતાની પૂજાનું પણ મહત્ત્વ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર કરવા ચોથે વ્રત કરવાથી દાંપત્ય જીવનમાં મધુરતા આવે છે.
હિન્દુ ધર્મમાં કરવા ચોથે પરિણીત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે. આ દિવસે ખૂબ જ શુભ સંયોગ રચાઈ રહ્યો છે. આ વર્ષે કરવા ચોથ 1 નવેમ્બર, 2023એ ઊજવવામાં આવી રહી છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે કરવા ચોથ પર એક મહાન સંયોગ બની રહ્યો છે. વાસ્તવમાં આ દિવસે મંગળ અને બુધ અને સૂર્ય તુલા રાશિમાં હોય છે. આ સાથે જ સૂર્ય અને બુધના સંયોગથી બુધાદિત્ય યોગ બની રહ્યો છે, મંગળ અને સૂર્ય મળીને મંગલ આદિત્ય યોગ બની રહ્યો છે. આ સાથે આ દિવસે શિવ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ રચાઈ રહ્યો છે.
આ વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ 31મી ઓક્ટોબરે રાત્રે 9.30 વાગ્યાથી શરૂ થશે અને 1લી નવેમ્બરે રાત્રે 9.19 વાગ્યે સમાપ્ત થશે. કરવા ચોથ માટે ઉદયા તિથિ માન્ય છે, તેથી કરવા ચોથ પહેલી નવેમ્બરે બુધવારે ઊજવવામાં આવશે. કરવા ચોથના દિવસે વ્રત રાખતી મહિલાઓ સાંજે ‘કરવા’ માતા અને ભગવાન ગણેશની પૂજા કરે છે અને જ્યારે ચંદ્ર ઊગે છે ત્યારે તેને અર્ઘ્ય આપે છે. 1 નવેમ્બરે કરવા ચોથ વ્રતનો સમય સવારે 6:36 કલાકથી 8:26 કલાકનો છે. કરવા ચોથની પૂજાનો સમય સાંજે 5:44 કલાકથી 7:02 કલાક અને ચંદ્રોદયનો સમય રાત્રે 8:26 કલાકનો છે.