મસ્જિદનો ગેરકાયદે હિસ્સો તોડવા BMCની ટીમ પહોંચતાં તંગદિલી

મુંબઈઃ ધારાવીમાં મહેબૂબ-એ-સુબાનિયા મસ્જિદના ગેરકાયદે બાંધકામને તોડી પાડવા મામલે તંગદિલી ઊભી થઈ હતી. BMCની એક ટીમ આ ગેરકાયદે હિસ્સો તોડવા પહોંચી હતી, પરંતુ લોકોની ભીડે હંગામો મચાવ્યો અને રસ્તા પર ઊતરી આંદોલન કરવા લાગ્યા હતા. કાર્યવાહી કરવા આવેલી નગરપાલિકાની ગાડીઓમાં લોકોની ભીડે તોડફોડ મચાવી હોવાના અહેવાલ છે. ઘટનાસ્થળે હાલ તો ભારે પોલીસ ટુકડી ખડકી દેવામાં આવી છે.

મુંબઈના ધારાવીના 90 ફૂટ રોડ પર 25 વર્ષ જૂની સુબાનિયા મસ્જિદને BMCએ ગેરકાયદે ગણાવી હતી અને તેને આજે તોડી પાડવાની હતી. BMCના અધિકારીઓની કાર્યવાહી પહેલા જ મુસ્લિમ સમાજના લોકો ગઇ કાલ રાતથી જ માર્ગો પર ઊતરી આવ્યા હતા અને ચક્કાજામ જેવી સ્થિતિ સર્જી હતી. મુસ્લિમ સમુદાયના લોકોનું કહેવું છે કે આ મસ્જિદ વર્ષો જૂની છે.

મુંબઈ નોર્થ સેન્ટ્રલનાં સાંસદ પ્રો.વર્ષા ગાયકવાડે કહ્યું હતું કે કે CM એકનાથ શિંદે સાથે અમે મુલાકાત કરી હતી અને તેમને ધારાવીની આ મસ્જિદને બીએમસી દ્વારા મળેલી ડિમોલિશનની નોટિસની જાણકારી આપી હતી. CMએ અમને સકારાત્મક જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખી તે અધિકારીઓ સાથે વાતચીત કરશે અને મસ્જિદને તોડી પાડવાની કાર્યવાહી પણ અટકાવશે.