હૈદરાબાદઃ તેલંગાણામાં આજે વિધાન સભા ચૂંટણી માટે કુલ 119 સીટો પર મતદાન થઈ રહ્યું છે. અહીંયા સવારે 7 વાગ્યાથી મતદાન શરુ થયું હતું જે સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે. વામપંથી ઉગ્રવાદ પ્રભાવિત ક્ષેત્રોના રુપમાં ચિન્હિત કરવામાં આવેલી 13 સીટો પર મતદાન સાંજે ચાર વાગ્યા સુધી જ ચાલશે.
તેલંગાણામાં પહેલીવાર વીવીપેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સુરક્ષાની દ્રષ્ટીએ પણ અહીંયા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજ્યમાં કુલ 2.80 કરોડ મતદાતાએ વિધાનસભા ચૂંટણીમાં પોતાના મતાધીકારનો આજે ઉપોગ કરશે. રાજ્યમાં સત્તારુઢ ટીઆરએસ, કોંગ્રેસ અને નીત ગઠબંધન અને ભાજપા વચ્ચે ત્રિકોણીય જંગ થવાની શક્યતાઓ છે.
AIMIM ના નેતા અસદુદ્દીન ઓવૈસીએ હૈદરાબાદના મતદાન કેન્દ્ર પર વોટિંગ કર્યું હતું. વોટિંગ કર્યા બાદ મીડિયા સાથે વાત કરતા ઓવૈસીએ લોકોને વધારેમાં વધારે મતદાન કરવાની અપીલ કરી હતી.
તો આ સાથે જ તેલંગાણામાં ઘણી જગ્યાઓ પર મતદાર યાદીમાં નામ ન હોવાની અને ઈવીએમમાં ખરાબીની ફરિયાદો સામે આવી છે. તેલંગાણાના હૈદરાબાદમાં મતદાર યાદીમાં નામ ન હોવાના કારણે બેડમિન્ટન સ્ટાર જ્વાલા ગુટ્ટા વોટ આપી શકી નહોતી. ત્યારે આ મામલે જ્વાલા ગુટ્ટીએ ટ્વિટર દ્વારા પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ગુટ્ટાએ પહેલા ટ્વિટ કર્યું કે મારુ નામ મતદાર યાદીમાં નથી જેને લઈને હું હેરાન છું.
આપને જણાવી દઈએ કે તેલંગાણામાં સવારે 11 વાગ્યા સુધીમાં સરેરાશ 23 ટકા જેટલું મતદાન થયું છે. તો આ સાથે કેટલીક જગ્યાઓ પર મતદાર યાદીમાં નામ ન હોવાની અને ઈવીએમમાં ખરાબીની ફરિયાદો સામે આવી છે.