નવી દિલ્હી- બિહારના પૂર્વ મુખ્યપ્રધાન રાબડી દેવી અને તેમના પુત્ર અને વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવને પટિયાલા હાઉસ કોર્ટ તરફથી આજે મોટી રાહત મળી છે. IRCTC ટેન્ડર કૌભાંડમાં પટિયાલા હાઉસ કોર્ટે બન્નેના જામીન મંજૂર કર્યા છે.કેસના અનુસંધાને આજે રાબડી દેવી અને તેજસ્વી યાદવ પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર થયા હતાં. કોર્ટે બન્નેને રુપિયા એક લાખના બોન્ડ પર જામીન મંજૂર કર્યાં છે. કોર્ટમાં લાલૂપ્રસાદ યાદવને પણ હાજર થવાનું હતું, પરંતુ તેઓ હાજર નહીં થતાં તેમને જામીન આપવામાં આવ્યા નહતાં.
આપને જણાવી દઈએ કે, ગુરુવારે બિહારના પૂર્વ મુખ્યપ્રધાન અને RJDના વડા લાલૂપ્રસાદ યાદવે રાંચી કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. જોકે જેલ લઈ જવાયા બાદ તેમને રિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, CBI દ્વારા આ કેસમાં ચાર્જશીટ દાખલ કરાયા બાદ પટિયાલા હાઉસ કોર્ટે તમામને સમન ઈશ્યૂ કર્યા હતાં. જેમાં લાલૂપ્રસાદ, રાબડી દેવી અને તેજસ્વીના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોકે લાલૂપ્રસાદ હોસ્પિટલમાં હોવાથી તેઓ કોર્ટમાં હાજર થઈ શક્યા નહતા.
આ સમગ્ર ઘટનાક્રમ વર્ષ 2006માં રાંચી અને પુરીમાં IRCTC માટે બે હોટલના કોન્ટ્રાક્ટ્સની ફાળવણીમાં કથિત અનિયમિતતા સાથે જોડાયેલો છે. જેમાં આરોપ છે કે, લાલૂપ્રસાદ યાદવ જ્યારે રેલવેપ્રધાન હતા ત્યારે તેમણે એક ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવાના બદલામાં પટણામાં એક મહત્વપૂર્ણ જગ્યા પર ત્રણ એકરની વ્યાવસાયિક ઉપયોગની જમીન લાંચના રુપમાં લીધી હતી.